પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
જામ રાવળનો જોહાકી જુલમ

અને તેની સ્ત્રીનો એ વેળાનો કલ્પાંત પાષાણને પણ પીગળાવી નાખે તેવો હતો. પરંતુ તેથી માનવદેહધારી જામ રાવળના મનમાં દયાનો સંચાર ન થયો; કારણ કે, તે રાજ્યના લોભથી અંધ, નેત્રહીન અને નિર્દય બનેલા પાપીનું હૃદય પાષાણ કરતાં પણ વધારે કઠિન અને અભેદ્ય હતું. પુનઃ જામ રાવળે તેને ભય બતાવીને કહ્યું કેઃ “આ તારું બીજું પુત્રરત્ન ગયું. હજી પણ માન, નહિ તો બાકીના છની પણ એ જ અવસ્થા છે.”

"ઓ કંસના અવતાર ભૂમિભાર રાજા, જરા વિચાર કર. તે અપરાધી મને ધાર્યો છે, તો મારો જ નાશ કર. આ નિર્દોષ બાળકોનો આમ નિર્દયતાથી વધ કરતાં તારી લેશ માત્ર પણ નામના થવાની નથી. છતાં જો મારા પુત્રોનો તારે નાશ કરવો જ હોય, તો અમો પતિ પત્નીની આંખો તારી આ કારી કટારીની વિષધારી અણી ભોકીને પ્રથમ ફોડી નાખ કે જેથી આ રાક્ષસી કૃત્ય અમારા જોવામાં જ ન આવે તેમ જ અમારા કાનોને બ્‍હેરા બનાવી દે કે આ નિર્દોષ બાળકોના મરતી વેળાના ભયંકર ચીત્કારો અમે સાંભળી જ ન શકીએ !” ભીંયાએ હૃદયભેદક આક્રોશ કરીને કહ્યું.

તેનાં વચનોનો તિરસ્કાર કરતો જામ રાવળ વિશેષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને વિકટ હાસ્ય સહિત કહેવા લાગ્યો કે:—

“આંખેં રહને દે અભી ઈન્સે હય ક્યા ક્યા દેખના;
દેખના જિદ્દી ! તૂ ઇસ હટકા નતીજા દેખના;
ખોપરીસે ઇન્કે ફ્વ્વારા લહૂકા દેખના;
જબ યે તડપેં ખાકપર ઇન્કા તમાશા દેખના;
ઈસ જમીંકો આજ જો રંગી બનાવું તૌ સહી;
ખૂન તેરે લાલકા તુઝકો પિલાવું તૌ સહી !”

—એટલું બોલતાંની સાથે તેણે ભીંયાના ત્રીજા પુત્રને તેની છાતીમાં ભાલાની અણી ભોકીને ભાલાપર અદ્ધર ઉચકી લીધો. બાળક અધ્ધર તરફડવા લાગ્યો અને તેની છાતીમાંથી વહી નીકળેલી રક્તધારા ભાલાપરથી નીચે જમીનપર પડવા લાગી. તે લોહીની એક અંજલી ભરીને જામ રાવળે ભીંયાના હોઠપર ઢોળી દીધી. ભીંયાને એ વેળાએ પોતાના શરીરનું જરા પણ ભાન નહોતું. તેની આંખોમાં અંધકાર છવાઈ ગયો હતો અને સમસ્ત સંસાર તેને અંધકારમય જ ભાસવા લાગ્યો હતો. નયનોમાંથી થતી શ્રાવણ ભાદ્રપદની વૃષ્ટિથી તેનાં વસ્ત્રો પણ ભીંજાઈ ગયાં હતાં. શિવ શિવ ! રાવળની આ કેવી અપૂર્વ અને રાક્ષસોચિત ક્રૂરતા ! !

પોતાના ધણીને આવી રીતે હતાશ અને વિવેકશૂન્ય થઈ ગયેલો