પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
કચ્છનો કાર્તિકેય

પ્રકારના ખાદ્ય પદાર્થો ઈચ્છા ન હોવા છતાં પણ મારે આપ સમક્ષ લાવીને રજૂ કરવા પડ્યા છે. આશા છે કે, મારા આ અવિવેક અને અપરાધની આપ અવશ્ય ક્ષમા કરશો જ.”

"સુશીલ અને બુદ્ધિમાન્ વૃદ્ધ પુરુષ, તમે આ શું બોલો છો. તમારે આ નિશ્ચયપૂર્વક માનવું કે ઉત્તમ અને સ્વાદિષ્ટ વ્યંજન તથા પક્વાન્નોને આરોગવાની આશાથી અમે તમારે ત્યાં આવ્યા નથી. ભાવપૂર્વક જમાડેલી આ ઘેંશછાશથી અમારા આત્માને જેટલો સંતોષ થશે, તેટલો સંતોષ ભાતભાતનાં ભોજનથી થવાનો સંભવ નહોતો. જગદાધાર જગન્નિયંતા જગદીશ્વર આપણને વખતપર આવું અન્ન પણ આપે છે અને આપણી ક્ષુધાના અગ્નિને શાંત કરે છે, એ કાંઈ તે જગત્પિતાનો માનવ પ્રાણીપર જેવો તેવો ઉપકાર નથી. અરે, કેટલાકોને તો આવું અન્ન પણ નથી મળતું. માટે સર્વએ નિરંતર એ જ તત્ત્વનું સ્મરણ કરવું જોઈએ કે;—

'આવે જે સંકષ્ટ, ધૈર્યથી તેને સ્હેવું; .
જે સ્થિતિ આપે ઈશ, સદા તે સ્થિતિમાં રહેવું !'

ખેંગારજીએ અભિમાન તથા ગર્વનું ખંડન કરનારાં વાક્યો ગંભીરતાથી ઉચ્ચાર્યાં.

"મહારાજ, આપ વિવેકના સાગર છો એટલે મારાથી હવે વધારે કાંઈ પણ બોલી શકાય તેમ નથી.” વૃદ્ધ સૂતાર બોલ્યો.

ખેંગારજીએ છચ્છર તથા સાયબજીને ઉદ્દેશીને કહ્યું કેઃ “કેમ, મહાત્મા યતિનાં વચનો રામબાણસમાન સિદ્ધ થયાં કે નહિ ? ઈશ્વર જે કાંઈ પણ કરે છે; તેમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે આપણું હિત અવશ્ય સમાયલું જ હોય છે. ચાલો ત્યારે ઈશ્વરનો આભાર માની અને યતિની વાણીને સત્ય જાણી આ શ્વેતવર્ણ ભોજનને ન્યાય આપવાનો આરંભ કરો.

“પણ બંધુ, હજી એક ઘટના બાકી છે.” સાયબજીએ કહ્યું.

"મારી ધારણા પ્રમાણે તે પણ પૂરી થવીજ જોઈએ.” ખેંગારજીએ સાયબજીના આશયને જાણીને માર્મિકતાથી કહ્યું.

ત્રણે જણે આનંદપૂર્વક ભોજન કર્યું અને ત્યાર પછી વૃદ્ધ સૂતાર તથા તેની પુત્રવધૂનો તેમણે અત્યંત આભાર માન્યો. ખેંગારજીએ તે યુવતિને મર્યાદાપૂર્વક પૂછ્યું કે: “બહેન, તમે અમારી ભૂમિનાં નિવાસી તો ખરાં પણ તમારા પિતાનું અને તમારું નામ હજી અમારા જાણવામાં આવ્યું નથી તે કૃપા કરીને જણાવશો ? કારણ કે, અમે તમારા ઋણી થયા છીએ એટલે જો અમારા ભાગ્યનો ઉદય થાય.