પૃષ્ઠ:Lakshami Natak.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નહીં હું જાણું છું કે કશુંબા પાણી છોડી મુકીને તમારે પંડેજ હળ ચલાવવું પડશે અને એ સઘળા કીસબ કરવા પડશે, ને આથી પણ તમારી અવસ્થા નરશી થશે.

રાજા: તારા મોઢામાં ધૂળ.

દરિદ્ર: પછી તમને ઢોલીઓ સુવા મલશે નહીં કેમ જે તેનો બનાવનાર નહીં મળે અને તળાઈ પણ નહીં મળે સુતર કરવા સારૂં રેંટીઆ પણ કોણ ફેરવશે અને કુંવરીજીને પરણાવશો ત્યારે ચુડો પાનેતર ક્યાંથી મલશે અને એવું થશે ત્યારે રૂપીઆજ કેવળ પેહેરશો, ઓઢશો કે રૂપીઆના ફાકડા ભરશો ? માટે હું જ સર્વ લોકોને સુખ ઉપજાવું છું કેમ જે જેને ઘેર હું જાઉં છું તે લોક ભુખને મારે પોતાનો કીસબ બનાવે છે.

રાજા: તારાથી શું સારૂં થાય છે ? શરીરે અજીરણ થાય છે. અને ઘણાં છોકરાં ભુખે મરતાં રડે છે, અને ડોશીઓ મલીન થઈને બેશી રહે છે, અને જુઓ ચાંચડ પેદા થાય છે અને મચ્છર તો એટલા થાય છે કે, સોરબકોર કરી રહે છે, અને કહે છે કે તું ભુખ્યો હતો પણ ઊઠ ઊંઘીશમાં વળી તારા દુખથી ફાટલકંથા ઓઢવી પડે છે, અને ગોદડીમાં માંકડ તો એટલા થાય છે કે, ચાય તેટલો કશુંબો પીધો હોય, તોય પણ તે ઉપર ઊંઘ આવે નહીં, અને ઓશીકાને ઠેકાણે પથરો મેલવો પડે છે, અને ઓઢવાને ફાટલ કાંબળી મળે છે, અને ઘીને સાટે તેલ ખાવું પડે છે, ચોખા સાટે જવાર ખાવી પડે છે, અને ઘોડીઆ વિના ઝોળી બાંધવી પડે છે, તપેલા સાટે હાંડલી તે પણ ફુટેલી મળે છે, કળશીઆ સાટે તુંબડું, થાળી, વાટકા સાટે સાનક, રામપાત્રમાં ખાવું પડે છે, તે પણ ફુટેલ હોય છે, નળીઆ સાટે ઘર ઉપર છાજ નાંખવું પડે.

દરિદ્ર: ભાઈસાહેબ એ અમારી અવસ્થા નહીં એતો સર્વે કાળ વર્ષના મઉઓની અવસ્થા તમે કહી.

રાજા: પણ લોકમાં કહેવાય છે કે નહીં જે મઉનો ભાઈ દરિદ્ર.

દરિદ્ર: અરે લોક તો કહે છે કે "પંડ્યો, પાડો ને કુતરો એ ત્રણે એક જાત" પણ એ વાત કાંઈ સાચી છે, અને અમારી અવસ્થા એ નથી ને કોઈ સમે એવી થનાર પણ નથી ને હા મઉની અવસ્થા એવી છે, પણ ગરીબ લોકોને તો ઝાઝૂં ખાવા નથી મળતું તો થોડું જ પણ મહેનત મજુરી કરીને ગુજરાણ ચલાવે છે. એથી શી નરશી અવસ્થા છે ?

રાજા: અરે રામ એથી પછી શી નરશી અવસ્થા કહેવાય જે જીવે ત્યાં સુધી તો મજુરી કરી કરીને મરી જાય, અને મરે ત્યારે પારકે લાકડે બળે.