પૃષ્ઠ:Lakshami Natak.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દરિદ્ર: એ તો તમે ઉપરથી મશ્કરીમાં બોલો છો, પણ મનમાં વિચાર કરી જુવો તો ખબર પડે કે, લક્ષ્મીના ચાકરોથી અમારા ચાકરો દિલમાં તથા શરીરમાં સારા રહે છે, જુવો તેમના ચાકરને પગે હાથે ખરજવાં થાય છે, શરીરે ઘાણીના થડ જેવા વધી જાય છે, તે બેસે ત્યાંથી ઉઠી શકતા પણ નથી અને અમારા ચાકરો શરીરે પાતળા અને કોઈ સાથે બાથો બાથ આવવાને પણ હુંશિયાર અને એક દિવસમાં વીશ ગાઉ જવું હોય તો પણ જઈ શકે.

રાજા: એમાં શું એ તો સૌ જાણે છે કે ખાવા પુરૂં મળે નહીં એટલે શરીરે પાતળા જ રહે તો.

દરિદ્ર: વળી જુઓ અમારી પાસે લાજ શરમ રહે છે. અને લક્ષ્મીને ઘેર મગરૂરપણું રહે છે.

રાજા: હા, એમ હશે. એમ જાણીએ છીએ કે, ચોરી કરવી, ખાતર પાડવું એ મોટી લાજની વાત હશે.

ભાઈ૦: અરે દૈવ હા. એ તો સાચું, ચોરીનું કામ ઘણું છાનું રાખવું પડે છે. માટે એ તો અદબની વાત છે.

દરિદ્ર: જુવોને એ કારભારી લોકો પણ પેહેલા ગરીબ હોય ત્યારે રૈયતને પણ નમ્રતાથી બોલાવે, અને સરકારનું કામ પણ બરાબર ચલાવે, અને જ્યારે તેના પાસે ભુરશી દક્ષણાની પુંજી જામી એટલે પછી રૈયતને પણ હેરાન કરે અને સરકારનું કામ પણ બગાડે છે.

રાજા: અરે એવું બોલીશ તો આ ભાઈચંદ ભાઈ પાસે જ ઉભા છે, તે તને સરકારમાં કેદી ઠરાવશે. સાચું બોલનાર છું, તો પણ અમે તને શિક્ષા કરયા વિના તો આજ છોડનાર નથી. બીજો ગુનો નહીં હોય તો, આ દોલતથી દરિદ્રની બડાઈ કહી દેખાડે છે તે જ કારણથી.

દરિદ્ર: અરે તમે ન્યાયની વાતે તો મારાથી જીત્યા નહીં, એટલે હવે આડું બોલો છો ?

રાજા: એટલા જ સારૂં કે હું સર્વેનું સારૂં ચાહું છું પણ જેમ બાપ સાથે દીકરો વૈર બાંધે છે, બાપ સારૂ ચહાય છે. તોપણ આજના લોકો હેતુ શત્રુની વિગતી સમજતા જ નથી અજ્ઞાનથી.

રાજા: ત્યારે ઇંન્દ્રને પણ હેતુ શત્રુની વિગતી નહીં હોય ? જે સદાય લક્ષ્મીને પોતાને ઘેર રાખે છે ?

ભાઈ૦: અને દરિદ્રને આપણા જુના નગરશેઠને ઘેર મોકલે છે.

દરિદ્ર: અરે તમો બંને મુર્ખા છો. કાંઈ અંતરદૃષ્ટિથી તપાસી શકતા નથી. જુવો ઇંન્દ્ર તો જગતમાં સર્વેથી ગરીબ છે; એ વાત હું પ્રમાણ કરી આપીશ.