પૃષ્ઠ:Lakshami Natak.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લક્ષ્મી: એ તો સર્વે લોકો એમ જ બોલે છે, પણ હું જ્યારે કોઈના ઘરમાં રહું છું ત્યારે તે ધનવંત પણાના મદથી તુરત ધર્મની ચાલ છોડી મુકે છે.

રાજા: માતાજી તમે કોહો છો તે ખરૂં. પણ સર્વે લોકો સરખા ન હોય.

લક્ષ્મી: સૌ સરખા જ છે, કોઈ જગતમાં સારૂં માણસ નથી.

ભીમ૦: ઉભી રહે ભુંડી સૌ લોકોને સરખા કેહે છે, હમણાં એક સોટી લગાવું છું.

રાજા: ચુપ એવું બોલ માં.

રાજા: માતાજી મારે ઘેર રહેવામાં તમારે મોટો લાભ થશે, તમારી આંખ્યો હું સારી કરાવીશ, તે જરૂર કરાવીશ.

લક્ષ્મી: મારે સારી આંખ્યો થવામાં કાંઈ લાભ નથી.

રાજા: એ શું બોલ્યાં ?

ભીમ૦: એના કરમમાં જ દૈવે અંધાપો લખેલો.

લક્ષ્મી: ભાઈ હું સારી આંખ્યો થવાની આશા રાખું તો ઇંન્દ્ર મને આથી પણ કાંઈ બીજું મોટું દુખ આપે.

રાજા: આથી પછી ઇંન્દ્ર શું મોટું દુખ આપશે ? જે પડતાં આખડતાં માંડ ચાલો છો.

લક્ષ્મી: એ તો હું જાણતી નથી, પણ મને એની બીક બહુ લાગે છે.

રાજા: એમ કેમ તમે સર્વ દેવોમાં કાયર છો, પણ તમે જાણતાં નથી કે તમારી આંખ્યો સારી થાય ત્યારે ઇંન્દ્ર કે ઇંન્દ્રના વજરની ચૌટામાં એક કોડીની પણ કિંમત નથી.

લક્ષ્મી: અરે બોલોમાં ઇંન્દ્ર સાંભળશે.

રાજા: અમારે તો બોલવું છે, કેમ જે હું નક્કી કરી આપીશ કે ઇંન્દ્રથી તમારૂ બળ ઘણું જ વધતું છે.

લક્ષ્મી: મારૂં બળ કહો છો ?

રાજા: હા તે વાતના સમ ખાઉ છું. જુવો એક વાર ઇંન્દ્ર કેની સહાયતાથી દેવ લોકનું રાજ કરે છે.

ભીમ૦: પૈસાથી, કેમકે એની પાસે પૈસા ગદબદ છે.

રાજા: વારૂં એને પૈસા કોણ આપે છે ?

ભીમ૦: આ આંધળી ડોશી.

રાજા: ત્યારે ઇંન્દ્રનો જગન કરે છે તે શા માટે, લક્ષ્મી સારૂં કે બીજા સારૂં ?

ભીમ૦: એ જ સારૂં સૌ પૈસાને ચહાય છે, એ વાત કાંઈ છાની નથી.

રાજા: ત્યારે એ જગન કરાવનારી લક્ષ્મી જ કે. બીજું કોઈ ?