[ ૯૮ ]
સરકાર સ્વીકાર કરે છે અને આથી જાહેર કરે છે કે એનું ધ્યેય હાંસલ કરવા માટે તેને પોતાના તરફથી શક્ય તેટલી તમામ મદદ કરવામાં આવશે.'
તે પછી બૃહદ્ પૂર્વ એશિયાઇ રાષ્ટ્રોના સંમેલન સમક્ષ ૧૯૪૩ની ૬ ઠ્ઠી નવેંબરે જાપાની વડા પ્રધાન સેનાપતિ ટેાજોએ કરેલા એક ભાષણની નકલ શ્રી ભુલાભાઈએ સાક્ષીને આપી. એ ભાષણમાં ટોજો આમ બોલ્યા હતા :–
'આઝાદ હિંદની કામચલાઉ સરકારનો પાયો, હવે વધુ મજબૂત બન્યો છે અને એ સરકાર નીચે હિંદી દેશભકતોએ પોતાનું નિશ્ચલ ધ્યેય હાંસલ કરવાનો અફર નિર્ધાર કર્યો છે, એટલે આ પ્રસંગે હું જાહેર કરું છું કે આઝાદી માટેની હિંદની લડતમાં મદદ કરવાના પોતાના નિર્ધારની પ્રથમ સાબિતિ તરીકે, શાહી જાપાની દળોના કબજામાં અત્યારે રહેલી હિંદી ધરતીનાં આંદામાન અને નીકોબાર ટાપુઓને આઝાદ હિંદની કામચલાઉ સરકારની હકૂમત નીચે ટૂંક સમયમાંજ મૂકવા જાપાનની શાહી સરકાર તૈયાર છે. હિંદુસ્તાનને તેની આઝાદીની લડતમાં સંપૂર્ણ સહકાર આપવાનો જાપાનનો નિર્ધાર છે. જાપાન એ જોવા આતુર છે કે સામે પક્ષે હિંદીઓ પણ એ દિશામાંના પોતાના પ્રયત્નો બમણા કરે.'
સાક્ષીએ કહ્યું કે મૂળ જાપાનીસ ભાષણનો આ સાચો અને સત્તાવાર અનુવાદ છે. વધુમાં એમણે જણાવ્યું કે આઝાદ હિંદ સરકાર ઉપરના જાપાનીસ સરકારના રાજદ્વારી પ્રતિનિધિ તરીકે શ્રી હાચિયાની નિમણુંક કરવામાં આવી હતી. ઊલટતપાસમાં સાક્ષીએ જણાવ્યું કે આંદામાન અને નીકોબાર ટાપુઓની સેાંપણી કરવા માટે જાપાનીસ સરકારે શું પગલાં લીધાં હતાં તેની એમને જાણ નથી.
બીજા જાપાનીસ સાક્ષીએાની જુબાનીનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં મદદ કરવા માટે સાક્ષીને અદાલતમાં રહેવાની અને બચાવપક્ષના મેજ ઉપર બેસવાની રજા અદાલતે શ્રી ભુલાભાઈની વિનંતિથી આપી.