પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૯ ]


બીજા જાપાનીસ સાક્ષી શ્રી માત્સુઓ મોટોએ કહ્યું કે, '૧૯૪૨ના નવેંબરથી ૧૯૪૪ના ઑક્ટોબર સુધી અને ફરી પાછો ૧૯૪૫ના મે થી તે લડાઈના અંત સુધી હું જાપાનીસ સરકારના પરદેશખાતાનો નાયબ-પ્રધાન હતો. અગાઉ હું સંધિ-ખાતાનો કાર્યવાહક હતો. પરદેશો સાથેની સંધિને લગતી બાબતોનો નિકાલ આ ખાતું કરતું હતું. આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના થયાની મને ખબર છે. આઝાદ હિંદ સરકારને લગતા કેટલાક દસ્તાવેજો મેં ટોકીઓમાંની પરદેશખાતાની કચેરીમાં જોયા હતા. જર્મની, ઇટલી, મુચુકુઓ, ચીન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ અને બરમાએ આઝાદ હિંદની કામચલાઉ સરકારનો સ્વીકાર કર્યો હતો.”

બૃહદ્ પૂર્વ એશિયા-દિનના સંમેલનમાં ૧૯૪૩ ની ૬ઠ્ઠી નવેંબરે વડાપ્રધાન ટોજોએ કરેલા ભાષણની એક નકલ એમને બતાવવામાં આવતાં સાક્ષીએ કહ્યું કે એ વખતે પોતે ત્યાં હાજર હતા અને એ નિવેદન સાચું છે. ઊલટતપાસમાં એમણે જણાવ્યું કે –

“૧૯૪૦ના ડિસેંબરથી ૧૯૪૨ના નવેંબર સુધી હું સંધિ-ખાતાનો કાર્યવાહક હતો. આ સમય દરમિયાન ટોકીઓમાંના હિંદી સ્વાતંત્ર્ય સંઘ સાથે મારે કાંઈ સંબંધ હતો નહિ... રાશબિહારી બોઝને હું ઓળખતો નથી. પણ હિંદી સ્વાતંત્ર્ય સંઘ સાથે એમનો કાંઇક સંબંધ હતો એ હું જાણું છું.

સવાલ : લડાઇ જાહેરાત પહેલાં લાંબા કાળથી જાપાનીસ સરકાર હિંદી સ્વાતંત્ર્ય સંઘની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતી હતી ખરી?

જવાબ : એ વિષે હું કાંઈ પણ જાણતો નથી.

સ૦ – લડાઈ પહેલાં લાંબા વખતથી હિંદમાં અશાંતિ ઊભી કરવાની અને તેને ઉત્તેજન આપવાની જાપાનીસ સરકારની નીતિ હતી?

જ૦ – એવી કોઈ નીતિ વિષે મને કાંઈ ખબર નથી.