પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૩ ]છતાં, બદકિસ્મત અને ખામીભરી આગેવાનીને પરિણામે ધીમે ધીમે તેમનાં આખરી પરાજય અને પરાધીનતા આવી પડ્યાં. તેમ છતાંય, ઝાંસીની રાણી, તાત્યા ટોપે, કુંવરસીંઘ અને નાના સાહેબ જેવા શુરવીરો રાષ્ટ્રની યાદદાસ્તમાં શાશ્વત તારા તરીકે જીવતા રહેશે અને બલિદાન તથા વીરતાનાં હજીય મહાન કાર્યો કરવાની આપણને પ્રેરણા આપશે.

૧૮૫૭ પછી અંગ્રેજોને હાથે બળજબરીથી નિ:શસ્ત્ર બનાવાયેલી અને ત્રાસ અને નિર્દયતાનો ભોગ બનાવાયેલી હિંદી પ્રજા થોડા વખત માટે તો નિઃસહાય હાલતમાં પડી રહી. પણ ૧૮૮૫ માં હિંદી રાષ્ટ્રીય મહાસભાના જન્મ સાથે જ એક નવી જાગૃતિ પેદા થઈ. ૧૮૮૫થી તે ગયા વિશ્વયુદ્ધના અંત સુધીમાં, પોતાની ગુમાવેલી સ્વાધીનતા પાછી મેળવવા માટે હિંદની પ્રજાએ જેહાદ અને પ્રચાર, બ્રિટિશ માલનો બહિષ્કાર, ત્રાસવાદ અને ભાંગફોડ, અને છેવટે સશસ્ત્ર બળવા જેવા શક્ય તેટલા તમામ માર્ગો લઈ જોયા, પણ થોડા સમય માટે તો આ બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. આખરે ૧૯૨૦ માં નિષ્ફળતાની લાગણીથી ત્રાસેલી હિંદી પ્રજા જ્યારે કોઈ નવા માર્ગ માટે ફાંફાં મારી રહી હતી ત્યારે અસહકાર અને સામુદાયિક કાનૂનભંગનાં પોતાનાં નવાં શસ્ત્રો લઈને મહાત્મા ગાંધી આગળ આવ્યા.

તે પછીના બે દાયકા દરમિયાન જલદ દેશપ્રેમી ચળવળના એક તબકકામાંથી હિંદી પ્રજા પસાર થઈ આઝાદીનો સંદેશો હિંદુસ્તાનના ઘરેઘરમાં પહોંચાડ્યો.