પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૯૦ ]

હોય તેને પાછલા મથક ભણી પાછા વળવાની વધુ એક તક મેં આપેલી. આ તકનો લાભ જેમણે લીધો તેમને કાંઈ પણ સજા કર્યા વિના રંગુન પાછા મોકલવામાં આવેલા.

મારા તાબા નીચેની ટુકડીઓમાં કોઇને એની ઇચ્છા વિરૂદ્ધ રાખવામાં આવે અને એની પાસે લડાઇ લડાવવામાં આવે એ વાતને હું ગૌરવશાળી નહોતો માનતો. તેથી હું પોપા પહોંચ્યો ત્યારે મારા સિપાહીઓને મેં ભારપૂર્વક અને જાહેરમાં કહ્યું હતું કે એમનામાંથી જેને પણ અંગ્રેજોની છાવણીમાં ચાલ્યા જવું હોય તેમને એજ વખતે એમ કરવાની છૂટ હતી: ફક્ત તેમણે પોતાનાં શસ્ત્રો મૂકતાં જવાનાં હતાં, અને એક વ્યવસ્થિત ટૂકડીમાં જવાનું હતું, કે જેથી મારી મોરચાબંધી વાટે સહીસલામત રીતે પસાર થવાની સગવડ હું એમને આપી શકું.

જેમને હું મારા શ્રેષ્ઠ મિત્ર ગણું છું તેમાં કેટલાક અંગ્રેજ સ્ત્રીપુરૂષો પણ છે. અંગ્રેજ પ્રજા સાથે મેં કદી પણ દુશ્મનાવટ રાખી નથી. મારા તાબા નીચેના અફસરો અને સિપાહીઓને મેં સ્પષ્ટ સુચનાઓ આપેલી હતી કે એમના હાથે પકડાયેલા ચાહે તે રાષ્ટ્રના યુદ્ધકેદીઓ પ્રત્યે એમણે માયાળુ વર્તાવ રાખવાનો છે.

હુ એવો દાવો કરું છું કે આ૦ હિં૦ ફો૦માં રહીને લડવામાં મેં કોઈ ગુનો કર્યો નથી. ઊલટાની, મેં મારા દેશની યથાશક્તિ સેવા બજાવી છે. વધુમાં હું એવો પણ દાવો કરું છું કે એક યુદ્ધકેદી તરીકેના તમામ અધિકારો મને મળવા જોઈએ.

પોપામાંના બ્રિટિશ દળોના જે કમાન્ડરને શરણે હું અને મારી નીચે રહીને લડતા અફસરો તથા સિપાહીઓ ગયા હતા તેની ઉપર ૧૯૪૫ની ૧૮મી એપ્રિલે લખેલ ચિઠ્ઠીમાં[૧] મેં સાફસાફ કહેલું કે અમે


  1. × [બહાદુરગઢ વિસ્તારના વડા મથકના ૧૨ મી એાકટોબર ૧૯૪૫ના કાગળમાં આ ચિઠ્ઠીની પહેાંચ સ્વીકારવામાં આવી છે, પણ એ મોજૂદ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. ]