પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગવતરીનાં વળામણાં
૮૯
 

 તો પીગળી ગયો, પણ પુત્ર કરતાં વધારે દિવાળીઓ દેખેલ હાદા પટેલ એમ સહેલાઈથી ભોળવાઈ જાય એમ નહોતા.

હજી તો માત્ર પચાસ ટકા જ વિજય મેળવ્યો છે, બાકીનું અરધું યુદ્ધ તો બાકી છે, એમ સમજતાં માંડણિયે એક નવું શસ્ત્ર અજમાવ્યું. નાના બાળકની જેમ એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

‘અરર... મને આવી કમત ક્યાંથી સૂઝી કે એકગોતરિયા ભાઈની હાથે જ વેર બાંધ્યાં?... ટાણેકટાણે તમે મારા પડખામાં ઊભા રહેશો, ઓલ્યા પારકા ગરાસિયા થોડો ગણ કરવાના છે ? વઢે વચકે, પણ અંતે તો ભાઈ ઈ ભાઈ...’

હવે હાદા પટેલને બોલવાનું જરૂરી લાગ્યું. ‘એલા, ભાઈનું આટલું બધું પેટમાં બળે છે. તો પછે ભાઈની વવ સામે ઊંચી આંખ્યે–’

‘હું નંઈ ઈ, હું નંઈ... ગામના ઉતાર ગરાસિયાવ... મલકનો શેતાન શાદુળભા... ને જાકુબીના ધંધા કરનાર જીવો ખવાહ... હું નંઈ, કોઈ દિ’ નંઈ...’ . ‘ઈ કઢીચટાવની વાદે ચડીને તું ય કોળીવાઘરી જેવા ધંધા કરતો થઈ ગ્યો છો–’

‘હંધાંય કાળાં કામાંનો કરનારો તો રઘલો મા’રાજ જ છે !’

‘એણે તો નાનપણથી જ ખોળિયું વટલાવ્યું છે, ને અવતાર બાળી બેઠો છે. એની હોટરને બાંકડે ગામ આખાના હરામખોર ભેગા થાય છે. પણ સગો પિતરાઈ ઊઠીને તું ય સંતુની સામે–’

‘એક વાર ભૂલ થઈ ગઈ ઈ માફ કરો, કાકા !’ માંડણિયો કરગરી ઊઠ્યો. હવે ફરી દાણ મને મા’રાજની હોટરે ભાળો તો મારું માથું ને તમારુ ખાહડું !’

‘એલા, એટલું તો વિચાર્યં કે સંતુ તો તારા ભાઈની વવ એટલે ભોજાઈ થાય, ને ભોજાઈ તો માને ઠેકાણે ગણાય... લખમણજતિને મન જેમ જાનકીમાં હતાં, એમ...’