પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
લીલુડી ધરતી
 


ગોબરને પૂછ્યું :

‘સતુનું આણુ કે’દિ’ છે ?’

‘અજવાળી ઈગ્યારસે—’

‘મારા સમ ખા !’

‘ભાઈના સમ ! હજી હમણાં જ આતાએ નક્કી કર્યું.’ ગોબરે કહ્યું. ‘તારે તો ઢગ ભેગા આવવાનું છે. કેડિયાને કસું-બસું ટંકાવવાની હોય તો વેળાસર ટંકાવી લેજે–’

‘એકલું કેડિયું ઘાલ્યે કાંઈ થોડું કામ પતવાનું છે ? માથે ફેંટોય કાંઈ ઢગમાં શોભે એવો જોશે ને ?’

‘ગિધાની હાટ્યે હીરાકણીનો તાકો નવોનકોર આવ્યો છે. વેતરાવ્ય એટલી જ વાર !’

‘ગુંજામાં ફદિયાં જોયેં ને !’

‘એલા, કાવડિયાં હંધાંય નાખશ ક્યાં તું ?’

‘મને નઈ, મારી ઓઘરાળ્યને પૂછ્ય !’ માંડણિયે ગમગીન અવાજે કહ્યું. પોતાની પત્ની જીવતીને ‘ઓઘરાળ’ જેવા તુચ્છકાર-સૂચક નામે એ ઓળખતો.

‘એલા, એમાં જીવતીનો બચાડીનો શું વાંક ?’

‘અરે, ઈગિયારસને દિ’ ઈ નઘરોળ્ય ફળિયામાં ગંજીપે રમવા ગઈ’તી તયેં ચોવી દાણાની રમતમાં એકવી રૂપિયા હારી આવી. નથુ સોનીની વહુ અજવાળીકાકી પાહે–’

‘એકવી રૂપિયા ?’

‘ગાડાનાં પૈડાં જેવા ખણખણતા !’

‘હોય ઈ તો; વારતહેવારે સહુ રમે...’ ગોબરે કહ્યું. ‘પણ તારા ફળિયાવાળો હંસરાજિયો કેતો’તો કે તેં તો જીવતીને મારી મારીને હાડકાં ભાંગી નાખ્યાં સાચી વાત ?’

‘હાડકાં ન ભાંગુ તો ઈ ને ગધેડીને ચોખા ચડાવું ?’

‘એલા પણ કોક’દિ’ ખીજની મારી ન કરવાનો કામો કરી