પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે ગવતરીનાં વળામણાં
૯૩
 

 બેહશે તો પછી—’

‘કાલ્ય કરતી હોય તો મર આજ કરે ! જાય ઢાઢે પાણીએ–’ માંડણિયે લાપરવાહીથી કહ્યું.

 ***

ગોબર જાણતો હતો કે માંડણિયાને જીવતી જરાય ગમતી નહોતી. એકબે વાર તો એને ઘરમાંથી કાઢી મેલવાનો પણ પ્રયત્ન કરેલો, પણ એ પાછી આવેલી. ગુંદાસરનું જીવતું જાગતું ‘ગૅઝેટ’ ગણાતી વખતી ડોસી નામની દાયણ પાસે તો એવી પણ વાયકા હતી કે માંડણિયે એક વાર જીવતીને ઘાસલેટ છાંટીને સળગાવી મુકેલી, પણ પડોશણ અજવાળીકાકીએ વહુને રાખ છાંટી છાંટીને ઠારેલી. આ વાયકાના પુરાવા તરીકે જીવતીને હાથપગે તથા મોઢા ઊઠી આવેલાં કાળાંભઠ્ઠ દાઝોડાં દેખાડવામાં આવતાં. કહેવાતું કે એ પ્રસંગ પછી માંડણિયાને આ વહુ વધારે અણગમતી થઈ ગયેલી. ચહેરા પર ઊપસી આવેલાં કાળાં કાળાં ચાંભાને પરિણામે જીવતી એવી તો કદરૂપી લાગતી હતી કે માંડણિયો એને ‘કાળકા માતા’ કહીને જ સંબોધતો, ઢોરમાર મારતો, ભૂખીતરસી ગમાણમાં પૂરી રાખતો, કોઈ કોઈ વાર તો તવેથાના ડામ પણ દેતો. વખતી ડોસીએ તો ક્યારની આગાહી કરી રાખેલી કે માંડણિયો બીજું ઘર કરવાનો છે...

તેથી જ તો અત્યારે માંડણિયાને મોઢેથી જીવતી અંગે ‘જાય ટાઢે પાણીએ’ જેવો લાપરવાહ ઉદ્‌ગાર સાંભળીને ગોબરને ઉદ્વેગ થયો. એ જાણતો હતો કે માંડણિયાની નજર નાનપણથી જ સંતુ ઉપર હતી, તેથી પોતાના પિતરાઈનું દામ્પત્ય સુખી રહે એમાં ગોબરને પણ થોડો રસ હતો. એથી પ્રેરાઈને જ એણે મિત્રભાવે સલાહ આપી :

‘એલા, ઈયે એનું નસીબ લઈને આવી હશે, કોને ખબર છે, એના નસીબનો રોટલો જ તારા ભાણામાં આવતો હશે !... પડ્યું પાનું નભાવી લે હવે.’