પ્રકરણ નવમું
વિયોગના ઓછાયા વચ્ચે
“અરરર ! ઈ કાળમખાને આપણે ઊંબરે શું કામ ચડવા દીધો ?’
‘ઈ રોયા રાખહનો ઓછાયો અડે તો ય અભડાઈ જાઈં, ઈને તમે ઢગમાં સોંઢાડ્યો ?’
‘હાય રે હાય ! ઈ કાળોતરા ભોરિંગની મીઠી મીઠી વાતું સાંભળીને તમે બાપદીકરા બેય કાં ભોળવાઈ ગ્યા ? આતા તો સતીમાના ગોઠિયા રિયા; એટલે ભગવાનનું માણહ ગણાય. એના રૂદામાં તો ભોળપણું ભર્યું હોય, પણ તમ જેવો ચતુર જણ પણ સાવ ભોળોભટાક થઈને ભરમાઈ ગ્યો ?’
હાદા કુમરની ખડકીમાં એકઢાળિયા ઓરડામાં એક સાંગામાંચી જેવા, માંકડભર્યા ઢોલિયા પર આ ઉક્તિઓ ઉચ્ચારાઈ રહી હતી.
વરવહુ વાસકસજ્જાને પોઢ્યાં હતાં પણ કમનસીબે આ ઓરડાનું વાતાવરણ વાસકરજનીનું નહોતું. લોકસાહિત્યમાં વર્ણવાય છે એવા થંભ અહીં થડકતા નહોતા, મેડી હસતી નહોતી. ખાટ ખટુકતી નહોતી. ખુદ ઢોલિયા તળેનો ઓળીપો જ ઊખડી ગયો હતો. એમાં ઉંદરોએ ઊંડાં ઊંડાં ભોણ પાડ્યાં હોવાથી આખો ઓરડો ખાડાખૈયાવાળો બની ગયો હતો. કચિયલ ભીંતડાં પરથી ગારના પોપડા પડી ગયા હતા તેથી આખી ય દીવાલો બિહામણી લાગતી હતી. મિલનરાત્રિએ અહીં મોલુંમાં દીવા શગે નહોતા બળતા. પણ વરસો થયાં મેશ ખાઈ ખાઈને કાળાભઠ્ઠ પડી ગયેલા ગોખલામાં