પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
લીલુડી ધરતી
 

 તુરત ગિધો તાડૂક્યો : ‘મરતી હોય તો મર્યની ઝટ, તો છૂટકો થાય અમારો !’ અને પછી અવાજને અત્યંત મૃદુ બનાવીને પૂછ્યું :

‘બોલો જીવાભાઈ ! શું કામ પડ્યું ?’

‘કામ તો એવું છે કે કાંઈ કીધું જાય નઈ.’

‘હોય. માણસને માણસનું કામ પડે–’

‘એટલે તો આ કાળી રાત્યે તખુભા બાપુએ તમારું કમાડ ખખડાવવા મોકલ્યો.’

‘બાપુ તો આપણા માવતર... માગે તો માથું ઉતારી દઉં.’

‘હવે સમજ્યા. ગિધાભાઈ ! બાપુ અટાણે હાથભીડમાં—’

‘હોય, માણસના હંધાય દિ’ સરખા ન હોય. કોઈ વાર હાથ મોકળો હોય, કોઈ વાર ભીડમાં ય હોય.’

‘અટાણે તમારી ઉપર બાપુની નજર ઠરી છે–’

‘હું તો બાપુનું ફરજંદ ગણાઉં, શાદૂળભા જેવું જ. હુકમ ફરમાવે એટલી જ વાર...’

સંતુ અને ગોબર બન્ને એકબીજા સામે તાકી રહ્યાં અને સાંકેતિક ઢબે એકબીજાને સમજાવી રહ્યાં. સંતુને સ્ફૉટ કર્યો કે સમી સાંજે, ઢગ વળાવતી વખતે ગામમાં પોલીસની મોટર આવેલી અને સીધી દરબારની ડેલીએ ગયેલી... તુરત ગોબરે એમાં પૂર્તિરૂપે સમજાવ્યું કે રૂપાં રબારણના ખૂનની વાત ચોપાનીયે ચઢી એની તપાસ એજન્સી વાળી પોલીસ હમણાં કરે છે ખરી... આજના ઉજાગરામાં આ અણધાર્યો ઊભો થયેલો આપત્તિકાણ્ડ હવે કેવી રીતે આગળ વધે છે એ જાણવામાં બન્નેને રસ પડ્યો. પોતપોતાના સરવા કાનને વધારે-સરવા બનાવીને ગિધાની પછીતની દિશામાં માંડ્યા, પણ હવે અંદરની વાતચીત જરા ધીમે સ્તરે થતી હોય એમ લાગ્યું. આખાં વાક્યોને બદલે તૂટક તૂટક શબ્દાવલિઓ જ કાને પડતી હતી.

‘ભાયાતુની અદાવત... બાપુની જતી જિંદગાની ધૂળધાણી કરવાના કારહા... ધોળામાં ધૂળ નાખવામાં જ રાજી... ઘરનાં જ ઘાતકી...