પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિયોગના ઓછાયા વચ્ચે
૧૧૧
 

 સમો વરતવો પડશે... એજન્સીની પોલીસ...મોઢાં ભર્યાં વિના છૂટકો જ નંઈ... બાપુનું વેણ રાખો... મોસમ ટાણે દૂધે ધોઈને પાછા...’

'હમણાં છૂટા ક્યાં છે ?... બવ સલવાઈ ગ્યો... ગામનાં ખોરડાં હંધાય લાહાં... ઉઘરાણી પાકે જ નંઈ... કાકા મટીને ભત્રીજા થાવા જેવું... દઈને દુશ્મન.....’

સામેથી દલીલ થતી હતી :

‘પણ બાપુ તમને ગિરોખત લખી દીયે, ખીજડિયાળું ખેતર ને પડખેનું વાડીપડું... બેયના દસ્તાવેજ તમારા કબજામાં... પછે સવા મણની તળાઈમાં સૂઈ રિયો તમતમારે...’

ગિધો હવે મોંઘો થવા લાગ્યો :

‘દરબારી ખેતરવાડી મારે ઘેરે નો શોભે... મારું તો વાટકડીનું શિરામણ... અમે લુવાણાભાઈ તો ડુંગરી વેચી જાણીએ... માંડ માંડ રોટલા કાઢીએ... અમારી લાજ રાખે ધન્ય માતા ડુંગળી... વાડીવજીફા સાચવવાનાં મારાં ગજા નંઈ...’

‘અટાણે બાપુનું વેણ રાખો... આબરૂના કાંકરા.... તમે માંડો એટલું વિયાજ કબૂલ... આવતી મોશમે દૂધે ધોઈને પાછા....ખણખણતા ગણી લિયો...’

દરબારની ગરજ જોઈને ગિધાએ વધારે મોણ નાખવા માંડ્યું :

‘સવારે વિચાર કરું... દિ’ આથમ્યા કે ઈસ્કોતરો ઉઘાડાય નહિ.... પાપ લાગે....’

‘આ તો ધરમનું કામ છે, ગિધાભાઈ !.... બાપુનો અવતાર રોળાઈ જાય.... એનાં ધોળાં પળિયાં સામે જુવો.... સમો સાચવી લિયો... પોલીસને રાજી કરવી પડે...’

‘રાતવરતનો ઈસ્કોતરો ઉઘાડીએ તો બરકત નો રિયે... લખમીમાતા કોપે... ધનોતપનોત કાઢી નાખે....’

‘ઈસ્કોતરો ભલે બંધ રિયો... ૫ટારા ઉઘાડો... આડો હું સાંબેલું લઈને ઊભું...’