પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિયોગના ઓછાયા વચ્ચે
૧૧૩
 

 ઓસરીમાં ઊજમને પાછલી રાતે દમનો હુમલો બેસી ગયો જણાયો. હાદા પટેલનાં નસકોરાંનો ઘરડ ઘરડ અવાજ જરા ઓછો થયો લાગતો હતો. કણબીપા અને મુમણાવાડને નાકે ઝઘડતાં કૂતરાંના બન્ને પક્ષો વચ્ચે હવે યુદ્ધવિરામ જાહેર થયો જણાતો હતો. અનેક ઘટનાઓની એકસામટી અસરને કારણે ઉદ્વિગ્ન બની ગયેલી સંતુ જરાતરા સ્વસ્થ થઈ ત્યાં તો ગિધાના ઘરમાં એકબે છોકરાં ઊંઘમાંથી ઝબકીને જાગી જતાં ભેંકડો જોડીને રડવા લાગ્યાં. ક્યારની પિડાઈ રહેલી ઝમકુને આ ખલેલ અસહ્ય લાગવાથી એણે છોકરાંઓને ધડિમ ધડિમ પીટવા માંડ્યાં : ‘મારાં રોયાંવ ! કાળનાં કાઢેલાંવ ! લોઈ શું કામે પિયો છો ?’

સંતાનો અંગે ઉચ્ચારાતાં ઝમકુનાં આ સ્વસ્તિવચનોએ સંતુને વધારે અસ્વસ્થ કરી મૂકી, માંડ માંડ ભુલાયેલાં ભાવિ જીવનનાં કેટલાંક વરવા દૃશ્યો ફરી આંખ આગળ તરી આવ્યાં. એકાએક ઓરડામાં દીવાનો ઉજાસ ઓસરતો લાગ્યો. જોયું તો મોઢિયા દીવા ઉપર મોગરો બહુ મોટો થઈ ગયો હતો; સંતુએ ઊઠીને દીવા પરથી મોગરો ખંખેર્યો.

***

પાછી આવીને ઢોલિયા પર બેઠી ત્યાં તો ફળિયામાં કાબરી ભાંભરી.

‘અરે, મારી કાબરી બચાડી ભૂખી થઈ લાગે છે !’ કરતીક ને સંતુ કમાડ ઉઘાડીને ફળિયામાં ગઈ.

કાબરી જાણે કે પોતાની સહીપણીની રાહ જ જોઈ રહી હોય એવું એની આંખો પરથી લાગ્યું. સંતુએ કોઢમાંથી કડબનો પૂળો લઈને કાબરીને નીરણ કર્યું અને પછી માથા પર, ડોક પર, ડિલ પર હૂંફાળો હાથ ફેરવતાં ફેરવતાં પૂછ્યું : 'કેમ આજ જાગી ગઈ, કાબરી ? ઊંઘ નથી આવતી ? થળફેર જેવું થઈ ગ્યું એટલે ગમતું