પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
લીલુડી ધરતી
 


ખાતાની ય ઉપર જવાબ માગવાવાળા બેઠા હોય છે. આ તો એજન્સીની પોલીસ; એનું ખાતું કાંઈ બાપુશાહી નો હોય !’

‘તી એનાં ઉપરવાળાને જવાબ આપવા સારુ કિયેછ કે બાપુની સાટે જીવલા ખવાહને ભેગો લેતા ગ્યા છ,’

‘જીવલાને લઈ ગ્યા ?’

‘હા, નામનો ગુનેગાર ગણવા... ને બાપુને બચાવી લેવા.’

‘જીવલો ય ઈ જ લાગનો છે. જિંદગી આખી બાપુની કઢી ચાટીને મોટો થ્યો છ, ને કૈંક કાળાંધોળાં કર્યાં છે !’

‘ઈ તો ગળ ખાય ઈણે ચોકડાં તો ખમવાં જ પડે ને !’

 ***

પારેવડાંને ચણ વેરીને અને આ મહત્ત્વના સમાચાર કાનમાં સંઘરીને હાદા પટેલ ઘર તરફ પાછા ફરતા હતા ત્યાં જ વખતી સુયાણી સામી મળી. પૂછ્યું :

‘કાં વખતીભાભી ! આજ તો બવ વે’લાવે’લાં?... કોઈને ઘરે કાંઈ સારા સમાચાર ?’

‘આજ તો સારાનેસાટે માઠા સમાચાર છે અટાણના પોરમાં.’

‘કોને ઘેરે ?’

‘ગિધા લુવાણાને ઘેરે, ઝમકુને કસુવાવડ... કિયે છે કે ગિધે બાઈના પેટ ઉપર પાનશેરી મારી’તી !’

‘રામ રામ રામ !’ કરતા હાદા પટેલ ડેલીએ પહોંચ્યા અને ઘરમાં આ બન્ને ઉદ્વેગજનક સમાચારો કહી સંભળાવ્યા.

ગમાણમાં વાસિદું કરી રહેલી સંતુએ ઝમકુના આ સમાચાર સાંભળીને ટકોર કરી : ‘અરર ! મૂવો ગિધિયો તો કહાઈ કરતાંય બેજ નીકળ્યો ! પાનશેરી ફેંકીને ઓલીના પેટમાં મૂંગા જીવને મારી નાખ્યો !’

નજીકમાં જ રાશ મોરડાં વણી રહેલા ગોબરે ઉમેર્યું : ગિધાને એનો કાંઈ હિસાબ નો હોય. એણે તો રાત્યોરાત્ય દરબારનું વાડીપડું