પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
લીલુડી ધરતી
 

 લાગ્યા હતા. શાદૂળભાની હૉકીસ્ટીક પાછી ન મળતાં, સંતુનું બેડું સામે ચાલીને માંડણિયાની સંગાથે મોકલી આપવું પડ્યું હતું. શાદૂળભાનું જાણે કે નાક કાપવા ખાતર જ ગોબરે સતુનું આણું કરી લીધું હતું. અને આ બન્ને અપમાનોથી ય વધારે ઉદ્વેગકારક ઘટના તો દરબારની ડેલીએ સરકારી પોલીસના આગમનની હતી. શાદૂળભાનું જીવતર રોળાઈ જવાનો ભય ઊભો થયો હતો. આવા ત્રિવિધ પરાજયોએ રઘાના મોં પરનું નૂર ઉડાડી દીધું હતું,

અત્યારે રોજે કપડાં સીવીને આવેલા ભૂધર મેરાઈના છોકરા વલભાને સંગીતની તલપ લાગતાં ગ્રામોફોન નજીક આવીને પૂછ્યું :

‘રઘાબાપા ! વાજુ વગાડું ?’

રઘાએ રાતી આંખ કરીને પૂછ્યું : ‘શું કામ ?’

‘ભારી બેડા સાંભળવાનું મન થયું છ–’

‘ભારી બેડાંના સવાદિયા ! ઘરમાં જઈને સાંભળ્ય તારાં ભારી બેડાં !’ કહીને રઘાએ એવી તો ભ્રુરુકુટી તાણી એ ત્રીજા લોચનનો તાગ જોઈને જ વલભો પાછો પોતાની બેઠક પર બેસી ગયો.

‘મારા હાળાં કાપલાં ! ફાટ્યાં છે કાંઈ ફાટ્યાં છે ! ગાજબટન કરતાં કરતાં ભારી બેડાં સાંભળવાના કોડ થાય છે ?’ રઘાએ પોતાના મનની દાઝ આ દરજી ઉપર ઉતારી.

સાંભળીને સહુ ઘરાકો વલ્લભ પ્રત્યે મનમાં ને મૂછમાં હસી રહ્યા. ‘લે, લેતો જા ! રઘા બાપાને મોઢેથી સીંજાટાણે સરસતી સાંભળી ને?’

અને પછી રઘો સાંભળે નહિ એવા ધીમા સાદે ઘરાક માંહેમાંહે ગુસપુસ કરી રહ્યા. એ ગુફતગોમાં સંતુ અને શાદૂળનાં બન્નેનાં પ્રકરણની ભેળસેળ હતી.

‘ઘરને ઉંબરે પરબતના પાછા થ્યાનો શોગ હતો તો ય હાદા ઠુમરને સંતુનું આણું કરવું પડ્યું.’