પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
લીલુડી ધરતી
 

 હાક વાગતી હતી. ઘેરે ગાંડો ગરાસ દૂઝતો હતો. કાયાની લેણાદેણી હતી, દરબારનો દિવસ આવતો હતો. એવામાં તખુભાને કોઈક ગંભીર માંદગીએ ઘેરી લીધા, કેટલાય અસાધ્ય રોગો લાગુ પડ્યા જે આજ સુધી એ વૃદ્ધ માણસને પીડી રહ્યા હતા. પાકા એક દાયકાથી તો તખુભા દરબારગઢની બહાર પગ મૂકી શક્યા નથી. ગુંદાસરના કોઈ માણસે વરસોથી દરબારનાં દર્શન કર્યાં નથી. એકેકથી ચડિયાતા ચેપી રોગો એમની કાયાને કરકોલી રહ્યા છે. વાયકાઓ તે એવી છે કે તખુભાના બન્ને સાથળ કરેકોલાઈ જઈને પોલા ભમ થઈ ગયા છે, ને માંહ્ય કીડા ખદખદે છે. એમના પાસવાનો કહે છે કે દરદીના શરીરમાંથી અસહ્ય દુર્ગંધ ફૂટે છે અને એ દુર્ગંધને સહ્ય બનાવવા માટે રોજેરોજ પુષ્કળ સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કરવો પડે છે.

સુખી દામ્પત્યનાં અનેક હર્યાંભર્યાં સોણલાં લઈને આવેલાં સમજુબાનો જીવનબાગ પુષ્પિત થયા પહેલાં જ મુરઝાઈ ગયેલો. થોડા સમયમાં જ એને અણગમતી પ્રતીતિ થઈ ગયેલી કે પોતે આ અવતારમાં કદીય માતૃપદ મેળવી શકશે નહિ. આ હીણભાગી સ્ત્રી સદાયને માટે માતૃત્વથી વંચિત રહેનાર છે, એનું ભાન થતાં એને ભયંકર આઘાત લાગેલો, અને એના પ્રત્યાઘાત રૂપે એનામાં પાગલપણાનાં પ્રાથમિક ચિહ્‌નો જણાવા માંડેલાં. એને પરિણામે, અત્યંત ગુપ્ત રાખવામાં આવેલી તખુભાની બીમારીની વાત ભાયાતોમાં બહાર પડી ગયેલી. તખુભાના ગરાસ ઉપ૨ નજ૨ ટાંપીને બેઠેલા ભાયાતો આથી રાજી થયેલા. વાવડીવાળા પિતરાઈ વાજસુરે તખુભાનો ગરાસ પચાવી પાડવાના મનસૂબા સેવવા માંડેલા...

પણ સમજુબા આથી નાસીપાસ થાય એવાં નમાલાં નહોતાં. તખુભાને રઘા જેવો જોરૂકો ને અક્કલકડિયો ભાઈબંધ હતો. એણે તખુભાને નિર્વંશ જતા અટકાવવા, ને ગાંડો ગરાસ જાળવી રાખવા એક અજબ યુક્તિ કરી. સમજુબાએ ગોળો ગબડાવ્યો કે હું સગર્ભા છું. રઘાએ ગામ–પરગામમાં તપાસ આદરી કે કોને ત્યાં બાળક