પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડો ઘા
૧૭૯
 

 પોતાના જ જીવનનું એક ઉજમાળું સંભારણું યાદ અપાવ્યું. ‘ભીમાના બાપ અડીકડી વાવ્યમાં નાળિયેર નાખવા પાદરમાંથી નીકળ્યા’તા તંયે હું ય છાનીમાની પાણી ભરવાને મસે, પાલી બાજરો ભરડાય એટલી વાર, કૂવાને કાંઠે ઊભી રહી’તી.’

દેવશી અને ગોબર વચ્ચે વારંવાર સાંધણ કર્યા કરતી આવી આવી ઉક્તિઓ સંતુને ગમગીન બનાવી મૂકતી હતી, આ ખોરડે દેવશીએ શરૂ કરેલી રમતશોખની પ્રણાલી ગોબરે અવિચ્છિન રાખી હતી એ વાત સાચી, પણ ગોબરની ગતિ પણ ભવિષ્યમાં દેવશી જેવી જ થાય, ઊજમ જેમ પોતાને પણ રખે ને પતિવિયોગ ઊભો થાય, એવી એક અમંગળ કલ્પના સંતુને સતાવી જતી હતી.

આજે ઘરનાં કોઈ કામકાજમાં સંતુનું મન પરોવાતું નહોતું. ગોબર કેટલેક દૂર પહોંચ્યો હશે, એના ઘા કેવાક સહેલતા હશે, રસ્તામાં કયે કયે ઠેકાણે ઠુંગાપાણી માટે પડાવ નાખતા હશે, અંબામાની ટૂંકે પહોંચતાં કેટલા દિવસ લાગશે, વગેરે વગેરે વિચારોમાં એ હાથમાં લીધેલું કામ ભૂલતી જતી હતી.

સદ્‌ભાગ્યે થોડા થોડા સમયને આંતરે ગામમાં સમાચાર આવ્યા કરતા હતા. વહેલી ઊઠીને વગડો કરવા ગયેલી વખતી ડોશીએ આવીને કહ્યું કે હાલરું હાથિયે–પાણે પુગી ગયું છે. ગોબર તો ગોફણના ઘાની ઘોડ્યે નાળિયેર ફેંકતો જાય છે...

રોજ સવારમાં શાપરની હૉટેલોમાં દૂધનાં બોઘરણાં પહોંચાડવા જતા વેજલ રબારીએ અહેવાલ આપ્યો કે હાલરું હડમાનની ધાર વળોટી ગયું છે, ને ગોબરભાઈ તો કિલકિલા કરતો જાય છે.

સાંતી છૂટવા ટાણે ગિરનારની સાતમી ટૂંકે કાળકામાતાના થાનકમાં રહેનારો ઘૂઘરિયો બાવો લોટ માગવા આવ્યો. એણે કહ્યું કે આખો ઝમેલો અટાણે ઝીંથરીના પાદરમાં પડ્યો છે. ભેગા મુખી ભવાનદા હોવાથી ગામના પટેલિયાવ આ સહુ મહેમાનને ઠુંગાપાણી કરાવે છે. ગામેગામથી નવા નવા માણહ આ ઝમેલામાં જોડાતા