પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
લીલુડી ધરતી
 

જાય છે. ગાડાંની સંખ્યા વધતી જાય છે... નાળિયેરના નવા નવા કોથળા ખરીદાતા જાય છે.

ગુંદાસરમાં એકાંતરે દિવસે વહેંચાતી ટપાલનો આજે ટપાલ વાર હતો તેથી રોંઢો નમતાં બાઈસિકલ પર બેસીને હેલકારો આવી પહોંચ્યો. ત્રણ ‘શુભ’ અને બે ‘અશુભ’ પત્રો તથા એક ‘મન્યાડર’ની વહેંચણી કરતાં કરતાં એણે મારગમાં મળેલા આ ખેલાડીઓનો ‘આંખોં દેખા હાલ’ કહીને સંભળાવ્યો. ગામેગામથી ને ખેતરે ખેતરેથી કુતૂહલપ્રિય પ્રેક્ષકો ઝમેલામાં જોડાતા જાય છે, રમનારાઓએ સૂતી સીમ જગાડી મૂકી છે; ગોબરના હાથમાંથી એક ગોફણિયો છૂટે છે ને આખો વગડો ગાજી ઊઠે છે...

આટઆટલા સમાચાર આવ્યા છે, પણ સંતુને એથી સંતોષ નથી, તૃપ્તિ નથી. ઊલટાની એને વધારે ને વધારે અતૃપ્તિ જાગે છે. હવે શું થયું હશે ? અત્યારે કયે ઠેકાણે પડાવ નાખ્યો હશે ! અઢી હજાર ઘામાં જીત થશે કે હાર ? આવા આવા પ્રશ્નો એના મનમાં ઊઠ્યા કરે છે.

સાંજ પડતાં કશાક કામનું બહાનું કાઢીને સંતુ પોતાને પિયર ઘેર પહોચી ગઈ. નમતી સંધ્યાએ ટીહો શાપરમાં રેતીનાં ગાડાં ઠલવીને પાછો આવે એ સમયે એને મોઢેથી ગોબર વિષે વધારે સમાચાર જાણવાની સંતુની યોજના હતી.

પણ કોઈ દિવસ નહિ ને આજે જ ટીહો મોડો પડ્યો. સંધ્યાની રૂંઝ્યું રમી ગઈ, દીવે વાટ ચડી ગઈ તોય ડેલી બહાર, ગાડું ખખડ્યું નહિ તેથી સંતુને ઈંતેજારી અને હરખને ચિંતા વધવા લાગી. માતાએ પુત્રીને જમી લેવાનું સૂચન કર્યું, પણ સંતુને વાળુ કરવા કરતાં ગોબરનો છેલ્લો વૃત્તાંત જાણવામાં વધારે રસ હતો. તેથી જ તો એ એક વાર પોતાને ઘેર જઈને ઊજમને કહી આવી કે દોણે મેળવણ નાખી દેજો ને વાળુમાં મારી વાટ ન જોશો.