પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
લીલુડી ધરતી
 


અકેકો કાંકરો ઓછો કરતા આવતા’તા. કોથળો ખંખેરીને કાંકરા ગણી જોયા, તો બે વીસુમાં ય બે ઓછા નીકળ્યા. આડત્રી ઘામાં અંબામાની ટૂંકે અંબાય કે નો અંબાય; તો ય મેં તો મુખીને કહી દીધું કે જરીકે ય ચંત્યા કરશો મા. મારા મનનો મનોરથ છે, ઈ પાર પડ્યા વન્યા રે’વાનો જ નથી. મેં તો આપણી સતીમાતાને સંભારીને ઝનનન કરતું નાળિયેર ફેંક્યું; જાણે ગોફણમાંથી ગિલોલ વછૂટી ! ઊભે વગડે હઈણકું ઠેકડા મારતુ જાય એમ નાળિયેર ઠેક લેતું ગ્યું. કોથળામાં સાત કાંકરા બાકી રિયા તંયે અંબામાની ટૂકનું અરધ−ઝાઝેરું ચડાણ બાકી રિયુ’તું. મુખીને થ્યું કે આપણે હારી ગયા. માંડણિયે ય આશા મેલી દીધી. ટપુડાને ય લાગ્યું કે હવે નહિ અંબાય. દલસુખ ને વેરસીડો તો, હવે જીતી જ ગ્યા, એમ સમજીને લહેરમાં આવી ગ્યા. મનેય મનમાં થ્યું કે આ તો મુખીનું ને ગામનું બેયનું નાક વઢાશે. માંડણિયાને મેં કીધું કે તું સો સો પગથિયાં આગોતરો પૂગી જા. ને નાળિયેર ટપો ખાય ઈ પગથિયાંનો વેમ રાખજે... પછી મેં ઠીકઠીકનું જોર કરીને નાળિયેર ઉલાળ્યું તો બરાબર માંડણિયાના પગમાં જ જઈ પડ્યું. બીજુ ઉલાળ્યું ને બસેં પગથિયાં વળોટી ગયું. ત્રીજે ઘાએ તો અરધ−ઝાઝેરો મારગ કપાઈ ગયો.’

‘વાય રે વાય !’ સંતુએ શાબાશી આપી, ને આગળ પૂછ્યું : ‘પછી ? કજિયો કેમ કરતાં થયો ?’

‘સાંભળ તો ખરી ! ત્રણ ઘામાં અરધો મારગ વળોટાઈ ગ્યો ને અંબામા તો સાવ ઢુંકડાં જ દેખાણાં એટલે સામાવાળાનાં મોઢાં ઝાંખાંઝપ પડી ગ્યાં. દલસુખને થયું કે આ તો હંધુય ખરચ માથે આવી પડશે, પણ ત્યાં તો મારો ચોથો ઘા નકામો ગ્યો.’

‘એમ કેમ થ્યું ?’

‘કેડી સહેજ ત્રાંસી વળતી’તી ને ઈ ત્રાંસમાં નાળિયેર અરધે જ પૂગીને પાછું પછડાઈ ગ્યું. મુખીને બવ વસવસો થ્યો, પણ મેં