પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી રાતે
૧૯૩
 


કીધું કે હજી બે ઘા બાકી છે, ફકર્ય કરો માં. છઠ્ઠો ઘા ધમધમાવીને ફેંક્યો ને દોઢસેં પગથિયાં વળોટી ગ્યો. વરસીડો તો વિચારમાં પડી ગ્યો. હવે તો અંબામાનું દહેરું પડઘે ઘા જેટલું ઓરું લાગતું’તું, ઈ જોઈને દલસુખે વેરસીના કાનમાં કાંઈક ગુસપુસ કરી. મેં મનમાં કીધું કે હવે તમારી હંધીય હુશિયારી તમારે ઘેરે જ પડી રે’વા દેજો, આ અબઘડીએ હું અંબામાને જુવારું છું, એમ કહીને મેં તો છેલ્લો ઘા ફેંક્યો.’

‘પૂગી ગ્યો ?’

‘હા.’

‘અંબામાને ઉંબરે જ ?’

‘સાવ ઉંબરા લગોલગ તો નહિ પણ ઝરૂખાને પગથિયે જઈને ટપાકો ખાધો.’

‘ઈ યે ય પુગી જ ગ્યું ગણાય ને ? વદાયે પૂરો થઈ ગ્યો—’

‘ના. ઈમાં જ ઓલ્યાવે વાંધો પાડ્યો. દૂધમાંથી પોરા ગોતવા જેવું કર્યું. ગોટો ઝરૂખાંને પગથિયે પુગ્યો ઈ ના હાલે, ઉંબરાને અડવો જોઈએ, એમ દલસુખે કીધું. સાંભળીને મુખીનો મિજાજ ગ્યો ને એણે તો દલસુખને સારીપટ ઘઘલાવી નાખ્યો પણ વેરસીડો કોક કજાત નીકળ્યો. એણે મુખીને ન’કેવાનાં વેણ કીધાં એટલે મારાથી મૂંગા ન રેવાણું. મેં એને સામી સંભળાવી. મંદિરના આંગણામાં હો–ગોકીરો થઈ પડ્યો. એમાં વેરસીડે મને ગાળ્ય દીધી એટલે મેં એને ગડદો માર્યો. તરત એણે ભેટમાં સંતાડેલો જમૈયો કાઢ્યો ને મારી છાતી ઉપર ઘા તોળ્યો. તડકામાં તગતગતો જમૈયો ભાળીને મારી આંખે અંધારાં આવી ગ્યાં. મને થયું કે આજે પેટકટારી પરોવાઈ જ ગઈ ! પણ જોઉં તો માંડણિયે આડે હાથે દીધો છે—’

‘ભગવાન એને ક્રોડ વરહનો કરે !’