પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
લીલુડી ધરતી
 

 હજી તો ઉંબરામાં પગ નથી મેલ્યો ત્યાં તો ઈ નઘરોળે મને પોંખવા જ માંડ્યો. બોલી : ‘મૂવા ! એમ હાથે ઠૂંઠો થઈને આવ્યો, ઈના કરતાં સંચોડો ઠાર કેમ ન થઈ ગયો ? તારી કોણીને સાટે કાળજે જમૈયો કાં ન પરોવાઈ ગ્યો ? ગરનાર ઉપર જ ઘીહોડાં ફૂંકતો ગ્યો હત તા આ નરકમાંથી તો હું છૂટત ?...’ એવાં વેણ સાંભળીને મને એવી તો દાઝ ચડી કે સાંબેલે સાંબેલે—’

‘સમજી ગ્યો સમજી ગ્યો ! હવે હાંઉં કર્ય. તાડનવિદ્યામાં તારા જેવો પારંગત કોઈ નથી.’ કહીને વળી રઘાએ મૂળ પ્રશ્ન પૂછ્યો : 'શાદૂળભાએ તેડું મોકલ્યું ઈ ભેગો તું આવ્યો કેમ નઈ ?’

માંડણ ફરી મૂંગો થઈ ગયો એટલે હવે શાદૂળભાએ જ પૂછ્યું, 'એલા, તારું મગજ ફરી ગ્યું છે ? અકલ સંધીય ગિધિયાને હાટે ગિરવી આવ્યો છો ? ગોબરનો આડો ઘા તેં શું કામે ઝીલ્યો ?’

જે પ્રશ્ન અંગે માંડણ ક્યારનો ભય સેવી રહ્યો હતો એ જ પ્રશ્ન આખરે આવી ઊભો. જે સવાલનો પોતાની પાસે કશો ખુલાસો જ નહોતો, એ સવાલ ફરીફરીને એને કાને અથડાઈ રહ્યો.

‘ગોબરિયો તારો કયો મોટો વાલેશરી હતો ? એના ઉપર તારાં કયાં હેત પ્રીત ઊભરાઈ જાતા’તાં તી આટલું ઓળઘોળ કરી ગ્યો ?’

શાદૂળ ને રઘો એકનો એક સવાલ વધારે ને વધારે વેધતાથી વારાફરતી પૂછતા રહ્યા.

‘વેરસીડાને હાથે ઈ વીંધાઈ જાતો’તો ઈમાં તને ક્યાંથી આટલું વહાલ ફૂટી નીકળ્યું કે આડો હાથ દીધો ?’

‘ટાઢે પાણી એ ખહ જાતી’તી, એમાં તને ક્યાંથી શૂરાતન ચડ્યું કે કોણીએ ઘા ઝીલવા પૂગી ગ્યો ?’

‘તે દિ’ વાવણી ટાણે ગોબરિયે આડા હાથની બુહટ મારીને તારું મોઢું તોબરા જેવું કરી મેલ્યું’તું ઈ ભૂલી ગ્યો ?’

‘જે માણસ નાનપણમાં જ તારા મારગમાં આડો ઊતર્યો, ને સંતુડીને પરણી ગ્યો, એની રખ્યા કરવા તું આડે ઊભો ?’