પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાજાંવાળા આવ્યા
૨૦૫
 


જાણે છે. પણ આડે આ જીવતીનું સાલ હતું ઈ એણે માથે રહીને કાઢી નાખ્યું.’

‘માથે રહીને કાઢી નાખ્યું ?’ સંતુએ ફરી ઉગ્ર અવાજે કહ્યું. ‘એલી બાઈ ! જરાક તો વચાર કરીને બોલ્ય ? જરાક તો ઉપરવાળાનો ભો રાખ્ય ! જીવતી સળગી તંયે માંડણિયો તો ખડકીમાં હતો ય નહિ. સારીપટ ગોકીરો થ્યા કેડ્યે જ તો ઈને ખબર્ય પડી.’

‘ઈવે ટાણે તો આઘોપાછો જ થઈ જાય ને ? બાયડીનાં લૂગડાં ઉપર લાલબાઈ મેલીને બારો નીકળી ગ્યો હશે !’

‘બચાડો ઘરભંગ થઈ ગ્યો ઈનું તો કાંઈ કરતાં નથી. ને ઠાલાં આવાં આળ શું કામે ચડાવો છો ?’ સંતુએ ભોળે ભાવે કહ્યું. ‘દખિયા જીવની જરાક તો દયા ખાવ ?’

‘દખિયો જીવ !’ સતુની પડખેના જ ગરેડે પાણી સીંચતી વખતી ડેસી વ્યંગમાં બોલી, ‘એલી સંતુ ! ઈ દખિયા જીવની બવ દયા આવે છે કાંઈ ?’

સંતુએ નિખાલસ ભાવે કહ્યું :

‘દયા તો આવે જ ને ? એક તો બચાડો હાથે ઠૂંઠો થયો, એટલે હવે પરવશ પડુ જેવો... ને એમાં ઘરભંગ થયો !’

‘બવ પેટમાં બળતું હોય તો પછી ઈ ઘરભંગનું ઘર માંડી દે ની ?’

વખતીએ ટાઢો ટમકો મૂક્યો ને સંતુ રોમેરોમ સળગી ઊઠી. એની અણિયાળી આંખમાંથી અંગારા વરસી રહ્યા, પાણીશેરડાનું વાતાવરણ સ્તબ્ધ બની ગયું.

વખતીએ વગર વિચાર્યે કરી નાખેલા બફાટને લીધે માત્ર સંતુ જ નહિ પણ સહુ પાણિયારીઓ બેબાકળી બની ગઈ, અને ‘અરરર ! આ શુ બાફી માર્યું?’ એવો ભાવ સૂચવવા માંમાંથી મૂંગેમૂંગે જીભ બહાર કાઢી રહી.