પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
લીલુડી ધરતી
 

 જાડા જાડા ચરબીના થરને લીધે રઘાની ઝીણી આંખના ડોળા એટલા તો ઊંડા ઊતરી ગયેલા કે એની પાંપણ ખુલ્લી છે કે બંધ એ કહેવું ય મુશ્કેલ બની રહે. ૨ઘાનાં માનસિક ભાવ૫રિવર્તનો એની માંજર–આંખો પરથી ભાગ્યે જ ઓળખી શકાય. પણ અત્યારે એણે જે દૃશ્ય જોયું તેથી એ ચૂંચી આંખ પણ ચારગણી પહોળી થઈ ગઈ. તુરત એણે થડાની માંડણી પછવાડે પાનનું થૂંક રેડી દઈને જીભ છુટી કરી નાખી અને મોટે અવાજે છોકરાને હુકમ કર્યો :

‘છનિયા ! જા ઝટ, ગિધાની હાટેથી ડબલ માવાના દૂધપેંડા લઈ આવ્યા ! કણીદાર તાજું જોઈને અઢી શેરનું પડીકું બંધાવી આવ્ય; જા ઝટ !’

આ અજાણ્યે અને અણધાર્યે સ્થળેથી વરસી રહેલી કૃપાપ્રસાદીથી અનાથો તો કૃતકૃત્યતા અનુભવી રહ્યા અને હજી ય અદકા ઉત્સાહથી સંગીતની રમઝટ બોલાવી રહ્યા.

આજે આ અતિથિઓને કેવળ ચાનાસ્તો કરાવીને જ રઘાને સંતોષ ન થયો. ગામમાંથી રોકડ નાણાં, જૂનાંપાનાં કપડાં વગેરે ઉઘરાવવામાં પણ એણે મોખરે રહેવાની તૈયારી બતાવી. ‘સંતુ. રંગીલી,’ ‘ભારી બેડાં’ ને ‘ચંદનહાર’નાં જ ગાયનો સાંભળવાને ટેવાયેલું એનું ઊર્મિતંત્ર આજે આ અનાથોને મોઢેથી શોકગીતો સાંભળીને દ્રવી ઊઠ્યું કે શું, પણ એણે છનિયાને વળી એક વધારે હુકમ સંભળાવ્યો : ‘માટલામાંથી મારું પહેરણ કાઢ્ય ઝટ !’

આમ તો અહોનિશ ઉઘાડે ડિલે જ પડ્યો રહેનાર રઘો કોઈ અસાધારણ પ્રસંગે પહેરવા માટેનું એક કધોણિયું કૂડતું ‘અંબાભવાની'ની અભરાઈ પરના ખાલી માટલામાં મૂકી ૨ખાવતો. અત્યારે પોતાની અદોદરી ને કઢંગી કાયા ઉપર, અહીંતહીં લોખંડી ખીંટીના કાટ ખાધેલું ફૂડતું વધારે કઢંગુ લાગ્યું. પણ એની કશી ય પરવા કર્યા વિના રઘો છનિયાનો ટેકો લઈ તખત પરથી હેઠો ઊતર્યો.

‘છનિયા ! થડો સંભાળજે... ખાનામાંથી એક ફદિયું ય ચોર્યું