પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોટલાની ઘડનારી
૨૫૩
 


‘માંડણ જેઠ ! રોટલા ટાણે શું કામે હૉટરમાં બેઠા ગાંઠિયા ચાવો છે ? હાલો ઘેર રોટલા ખાવા !’

સંતુનો આ આદેશ ‘અંબાભવાની’માં સહુ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા. એક માત્ર માંડણે જ એ પ્રત્યે ઉપેક્ષા દાખવી.

‘હાલો, ઊઠો ઝટ ! ઘરના ઘડેલા રોટલા મેલીને આવા કચરા શું કામ ખાવ છો ?’

હજી ય માંડણ મૂંગો મૂંગો સાંભળી રહ્યો. મનમાં વિચારી ૨હ્યો : 'કોના ઘરના ઘડેલા ?’

‘ઊભા થાવ છો કે તમારા ભાઈને તેડવા મોકલું ?’ સંતુએ છેલ્લે પૂછ્યું. અને પછી ટકોર કરી. ‘ઘરમાં ઘડેલા રોટલા ભાવતા નથી તી આવી બજારની ચીજું ખાવી પડે છે ?’

માંડણના મનમાં ફરી પ્રશ્ન ઊઠયો : ‘કોના ઘરમાં ઘડેલા ?’

ઊભી બજારે આવી આગ્રહભરી વિનતિઓ કરવા છતાંય આ માણસ રોટલો ખાવા ન ઊઠ્યો તેથી કંટાળીને સંતુ વિદાય થઈ. પછી માંડણ વિચારી રહ્યો હતો : ‘તારા હાથનો ઘડેલો રોટલો જરૂર ખાઉં, પણ ગોબરને રાંધણિયે નહિ, મારે આંગણે આવીને મારા રોટલા ઘડતી થાઈશ તે દિ’ જરૂર ખાઈશ !’

*