પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
લીલુડી ધરતી
 


સંભવિત ઘટનાની પોતપોતાની રીતે કલ્પના કરી રહ્યાં અને એમાંથી ઉદ્‌ભવતો એક તીવ્ર રોમાંચ અનુભવી રહ્યાં.

‘રોટલો ખાઈ રહીને ભંભલીમાંથી પાણી પીતાં પીતાં સંતુને એકાએક માંડણિયો યાદ આવતાં એણે પૂછ્યું :

‘આ માંડણ જેઠને તી થિયું છે શું ? સેંથકની દાઢી વધારીને ફરે છે તી શું સારા લાગે છે ?’

‘એનું બચાડાનું મગજ ક્યાં ઠેકાણે છે ? ગાંજો ફૂંકીફૂંકીને ગાંડો થઈ ગ્યો—’

‘પણ કણબીનો દીકરો ઊઠીને દાઢી ઉગાડતો સાંભળ્યો છે મલકમાં ક્યાંય ?’

‘ગાંડાં માણસને કાંઈ ગમ હોય ? એણે તો હવે એક જ વેન લીધું છે કે શાદૂળિયાને ઝાટકે મારવો છે !’

‘ને શાદૂળિયો તો જલમટીપમાં ટિચાણો !’

‘પણ માંડણિયો તો કિયે છ કે હું જેલમાં જઈને ય એને વીંધી આવીશ.’

‘સાવ વાયલ થઈ ગયો છ ! શાદૂળિયો છૂટો ફરતો’તો તે દિ’ તો એની હાર્યે એક નાકે સાસ લિયે એવી તો ભાઈબંધી હતી. તે દિ’ તો શાદૂળના ખવાહ જેવા થઈને ફરતો ને મારી વાંહે એને ભુરાયો કરતો’તો. હવે ઈ જેલમાં પુરાણા પછે જ એને ઝાટકે દેવાનું સૂઝ્યું ?’

‘ધૂની માણસ છે. એને મગજમાં ઘૂરી ચડવી જોઈએ.’ ગોબરે કહ્યું.

માંડણના હૃદયમાં શાદૂળ પ્રત્યેનો ઈર્ષ્યાગ્નિ પેટાવનાર પેલી નાજુક વાયકાનો ગોબરને ખ્યાલ નહોતો. સંતુને પણ તે દિવસે દરબારના ડેલીએ અસૂરું થયા બદલ ઊજમ જોડે વડછડ થઈ ગયેલી અને છાસનો કળશો ભરવા આવેલી ઝમકુએ શાદૂળનો નામોલ્લેખ સાંભળીને જે અહેવાલ અજવાળીને મોઢે આપેલો, એ આકસ્મિક રીતે માંડણના કાન સુધી પહોંચ્યો છે એ હકીકતની જાણ નહોતી