તેથી પતિપત્ની બંને, માંડણના આ વિચિત્ર વર્તાવની દયા ખાઈ ૨હ્યાં હતાં.
‘હવે ઈ મરેલા માણસને વળી મારવાનું વેન લઈને માંડણ જેઠ શું કામે હેરાન થાતા હશે ?’ સંતુએ કહ્યું. ‘જલમટીપનો કેદી તો આમેય જીવતોય મૂવો જ ગણાય ને !’
‘પણ માંડણિયો તો કિયે છ કે ઈ જલમટીપ ભોગવીને વીસ વરસે છૂટીને આવશે. પછીય એને જમૈયો પરોવી દઈશ ! શાદૂળિયાનું જીવતર ધૂળધાણી કર્યા વિના હું નહિ જંપુ !’
‘ગાંડો રે ગાંડો ! એનું બચાડાનું જીવતર ધૂળધાણી કરવામાં જીવા ખવાહે શું બાકી રાખ્યું છે તી વળી માંડણિયે પૂરું કરવું પડે ?’ કહીને સંતુએ ઉમેર્યું : ‘જીવલે પણ કરીને કાંઈ ! ખોટી સાક્ષી આપવાને બહાને દરબાર પાંહેથી સારીપટ નાણાં ખંખેર્યાં. હંધો ય ગુનો પોતાની માથે ઓઢી લીધો ને અંત ઘડીએ ફરી બેઠો ! સરકારનો સાક્ષી થઈ બેઠો ને શાદૂળભાને પુરાવી દીધો ! બચાડાં સમજુબાનું જીવતર કડવું ઝેર કરી મેલ્યું. ઠકરાણાંએ કેટલી આશાએ સતીમાને માથે આ છત્તર ચડાવ્યું હશે !’
‘પણ મેં તને કીધું ને, કે ખોટાં કામમાં ને ખોટી માનતામાં સતીમા ફળે જ નહિ–’ ગોબરે ટકોર કરી. ‘શાદૂળિયે ખૂન કર્યું જ ’તુ તો એની સજા એણે ભોગવવી જ પડે—’
પણ શાદૂળને સાંપડેલા કવિન્યાયમાં કે એની જનમટીપની યાતનાઓમાં સંતુને હવે બહુ રસ રહ્યો નહોતો. એના સ્ત્રીહૃદયની સહાનુભૂતિ તો અત્યારે વારે વારે સમજુબા ઠકરાણાં તરફ જ વળતી હતી. એ બોલી :
‘ભૂધર મેરાઈની વવે હમણાં ઓળીપો કર્યો ને ડેલીએ લાદ લેવા ગઈ’તી, તંયે કિયે છ કે સમજુબા એની મોઢે કાંઈ રોયાં છે, કાંઈ રોયાં છે ! રાતે પાણીએ રોઈ રોઈને કે’તાં’તાં કે જીવલે ખવાહે અમારું નખોદ કાઢી નાખ્યું !’
‘એમાં જીવલાનોય બવ વાંક કાઢવા જેવું નથી.’ ગોબરે બાતમી