પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુખિયાં ને દુખિયાં
૨૬૩
 

શું ખબર પડે ?’ કહીને સંતુએ વળી પોતાની સહીપણી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી : ‘અરેરે, બચાડી નાની બાળ ઉપર કેવા દખના ડુંગરા આવી પડ્યા !’

‘શું થઈ ગયું ? પણ કાંઈ ખબર્ય પડે ?’

‘ખબર્ય તો હજી કોઈને નથી પડી, ને પાડવા જેવી ય નથી. જડીનું બચાડીનું જીવતર રોળાઈ જાય એવી વાત થઈ ગઈ છે.’ કહીને સંતુએ અહીં સુનકારભરી સીમમાં ય હળવે સાદે સ્ફોટ કર્યો : ‘બચાડીને મૈના છે...’

‘હેં ?’

‘હા, લગન તો હજી પૉર સાલ થવાનાં છે, ને બચાડી બાપને ઘેર જ બેજીવસુ—’

‘કેમ કરતાં—?’

‘વાએ કમાડ બિડાઈ ગ્યા જેવું થઈ ગ્યું—’

‘પણ પાપ કોનું ?’

‘ગામવાળું કોઈ નથી. આ તો પરગામથી—’

‘પરગામવાળું ? કોણ—’

‘ઓલ્યો ખરેડીનો સામતો આયર નો આવતો—’

‘હા, નથુબાપાની હાટે બેહીને સોનું ઘડાવતો–’

‘ઈ જ. ઈ જ, મૂવો !’

‘પણ હમણાંનો આણી કોર્ય ફરકતો લાગતો નથી—’

‘હવે શું મોઢું દેખાડે મૂવો ? બચાડી પારેવડી જેવી જડકીની જિંદગી રોળી નાખી રોયાએ–’

‘પણ માબાપને કાંઈ સનસા નહિ આવ્યો હોય ?’

‘નથુબાપા બચાડા વિશ્વાસુ માણહ ને સામત આયર એટલે ખરેડીનો ગામધણી : સામટું સોનું લઈને ઘડાવવા આવે તી દન આથમ્યા લગણ રોકાય. વારે ને ઘડીએ એના સારું જડી ચા ઊકાળે. કોઈ વાર અસૂરું થાય તો સામતો વાળુ કરવા ય રોકાઈ જાય. ઘ૨ જેવો નાતો... એમાં અજવાળીમાને વેમ નહિ રિયો હોય...