પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાણી ડહોળાયાં
૨૭૭
 


બરોબર એક અઠવાડિયા પછી શંકરભાઈએ વાઘેસરની બાજુના ગિધાના જ એક જ્ઞાતિજન ઉપર છાપો માર્યો. એ માણસે ગિધાને ઘરઘરણાની લાલચ આપીને બોલાવેલો. ગરજુડો ગિધો ઘાએ ચડીને ગાંઠમાં સારીપટ સોનું ને રોકડ લઈને ગયેલો. કહેવાય છે કે આ કારસ્તાન ગોઠવનારાઓએ નસાડેલી એક નવોઢા જોડે ગિધાનાં પુનરલગ્નનો વિધિ પણ કરવામાં આવેલો, અને છેક છેલ્લી ઘડીએ એ કામાંધ માણસને કવિન્યાયની રાહે ગળચી દાબીને ગારદ કરી નાખવામાં આવેલો. દરદાગીના, રોકડ તેમ જ એનાં ખિસ્સાં સુધ્ધાં ખંખેરી લઈને લાશને મઘરપાટમાં પધરાવી દેવાયેલી...

ગિધાના ખૂનીઓઓને હાથકડી પહેરાવીને શાપરની જેલમાં મોકલી દીધાના સમાચાર જાણતાં રોતીરગળતી ઝમકુએ મૃત પતિને ઉદ્દેશીને છેલ્લી ગાળ સંભળાવી :

‘લેતો જા, મારા રોયા ! મારા નિહાહા લઈને નવી કરવા ગ્યો’તો તી હવે લેતો જા !’

*