પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
લીલુડી ધરતી
 


ઊગે. આજ પચા વરહ થ્યાં પંચાણભાભો આ ડેલીએ હોકો ભરતો આવ્યો છ. નવાં માણહ તો માગ્યાં જડે, પણ ઓલી હથરોટી થોડી જડવાની હતી ? ના રે બાપુ ! હવે ગલઢે ગઢપણ આ ગરીબ ડોહાનો રોટલો ભાંગીને મારે એના નિહાહા નથી લેવા...’

ઠકરાણાંની આટલી બધી ઉદારતા જોઈને પંચાણભાભાને તથા જીવાને તો ઠીક પણ ગામલોકોને ય નવાઈ લાગેલી. જીવાને ‘કાળમુખો’ કહેનાર અને આ જન્મારામાં એનું મોઢું જોવાની ય ના પાડનારાં સમજુબા અફીણના અમલ વિના એક ડગલું ય ચાલી ન શકનાર પંચાણભાભા જેવા દમિયલ ડોસાને શા માટે સાચવે છે એ કોઈને સમજાયું નહિ. તેથી રજવાડાંના ભેદ તો ૨જવાડાં જ જાણે એવો ચુકાદો આપીને લોકોએ આશ્વાસન લીધેલું.

ઝમકુનાં પિયરિયાં આવ્યાં. નાના ભાઈ દામજીએ ગિધાનું કારજ વગેરે પતાવ્યું, ત્યાં સુધીમાં જીવાએ માંડેલી નવી હાટડી ધમધોકાર વેપાર કરતી થઈ ગઈ હતી. જીવો આમે ય અકલકડિયો તો હતો જ, ને હવે તો તખુભાબાપુ તરફથી તેમ જ વાજસૂરવાળા ભાયાત તરફથી મળેલી બેવડી ‘દક્ષિણા’ને પરિણામે એની પાસે સારો ‘જીવ’ પણ થઈ ગયેા હતો. તેથી એણે ઠેઠ હજૂર ઓફિસ સુધી લાંબા થઈને લાગ તેમ જ વગ બન્ને લગાડીને, ‘ગુંદાસરનો અફીણનો ઈજારદાર મરી ગયો છે ને અફીણ વિના ગામનાં સાજાંમાંદાં માણસોને પારાવાર મુશ્કેલી પડે છે’ એવો દાવો કરીને મહાલકારીથી માંડીનેય નાયબ દીવાન સુધી નૈવેદ્ય ધરીને અફીણ વેચવાનો ઈજારો પોતાને હસ્તક કરી લીધો હતો.

ઝમકુને લાગ્યું કે જીવા ખવાસ જેવા ખમતીધર માણસે કરેલી જમાવટ સામે હવે પોતાનો ભાઈ દામજી હાટડી ચલાવવા બેસે તો કશો વેપલો થઈ શકે નહિ, તેથી ગિધાની દુકાન સાધનસરંજામ સહિત કાઢી નાખવાનો નિર્ણય કર્યો. તુરત જીવાએ આ બીજી સોનેરી તક પણ ઝડપી લીધી. એ ગિધાની હાટનો ઝીણોમોટો