પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઊજડી ગયેલું આકાશ
૨૮૫
 


તેથી શાંતિ ન થઈ. એને તો લવરી ઊપડી :

‘શાદૂળિયાને ઝાટકે મારીશ... ગઢની ડેલીમાં સંતુને પૂરી રાખનારો ઈ કોણ ?... ઈ ફાટેલા ફટાયાને ભોંયભેગો ન કરું તો મારું નામ માંડણિયો નઈ....’

‘એલા શાદૂળિયો તો કે’દુનો જેલમાં પુરાઈ ગ્યો. હવે તો ધીરો પડ્ય !’ ગોબરે કહ્યું.

‘જેલમાં ? જેલમાં જઈને ઝાટકે મારીશ... રાઈ રાઈ જેવડા કટકા કરી નાખીશ... હું કોણ ? માંડણિયો !’

‘અટાણે તો શાદૂળભાને સાટે તારા સાથીને જ લમધારી નાખ્યો છે !’ જેરામ મિસ્ત્રીએ મજાક કરી.

‘હાડકેહાડકું ભાંગી નાખીશ.... દરબારનો દીકરો થ્યો એટલે શું થઈ ગ્યું ? ગામની હંધી ય વવ—દીકરીયું એને લખી દીધી છે ? ...ઓખાત ખાટી ન કરી નાખું તો મારું નામ માંડણિયો નઈં !’

લવારો ઘટવાને બદલે વધતો જ રહ્યો એટલે જીવા ખવાસે ગોબરને સૂચન કર્યું :

‘નથુબાપાના ઘરમાંથી પાણીની ગાગર ભરી આવ્ય ?’

જીવાએ માંડણના માથા ઉપર પાણીની ધારાવાડી કરવા માંડી. બોલ્યો :

‘તખુભાબાપુને વધારે પડતો નશો ચડી જાતા તંયે ગાગર્યુંની ગાગર્યું રેડવી પડતી.’

‘શાદૂળિયો એના મનમાં સમજે છે શું !.... સંતુને હેરવનારો ઈ કોણ ?’ કહીને માંડણે ભેંસાસૂર અવાજે ગાવા માંડ્યું : ‘મારુ નામ પાડ્યુ છે સંતુ રંગીલી...’

સાંભળીને હસવું કે ખિજાવું એની ગોબરને મૂંઝવણ થઈ પડી.

જીવાએ કહ્યું : ‘બીજી એક ગાગર ભરી આવ્ય.’

ફરી વાર માંડણના માથા પર પાણી રેડ્યું. ધીરેધીરે એને શાંતિ વળવા લાગી. કવચિત્‌ કવચિત્‌ શાદૂળ અને સંતુનાં નામોચ્ચાર