ઓણ સાલ નખતર બદલી ગયાં છે, એવી આશામાં પખવાડિયું નીકળી ગયું અને બીજા પંદર દિવસ વાદળની પ્રતીક્ષામાં ગયાં, ત્યાં તો અનાજના ભાવમાં ઉછાળો આવ્યો, ને જીવા ખવાસની નવીસવી દુકાનને તડાકો પડી ગયો.
જીવાએ પોતાની નવી દુકાનનો વેપાર જમાવવા સારુ જ વરસાદને બાંધી રાખ્યો છે, એવી મજાક–મશ્કરીઓમાં વળી એક નક્ષત્ર પૂરું થઈ ગયું.
‘એલા જીવા ! હવે તો વરસાદ છોડ્ય, હવે તો ભલો થઈને છૂટો મેલ્ય ! તારી કમાણીના સવારથમાં ગામ આખાને ભૂખે મારીશ ?’ આવી આવી વિનતિઓમાં વળી એક અઠવાડિયું વીતી ગયું.
જેઠ મહિનો આખો કોરો ગયો એટલે લોકોના પેટમાં ફાળ પેઠી. ગામના ઢેઢ–ભંગિયાઓએ પૂતળાં મંતર્યાં હશે કે કશાંક કામણટૂમણ કર્યાં હશે એવા શક પરથી બેચાર હરિજનોને પીટી નાખ્યાં, પણ એથી ય કશો ફેર ન પડ્યો.
અનાજના ભાવો વધતા રહ્યા અને જીવા ખવાસને ‘બખ્ખાં’ થઈ પડ્યાં.
ખુદ મુખી ભવાનદા પણ આ દોહ્યલા દહાડામાં જીવાની ઠેકડી કરતા :
‘એલા જીવા ! તેં બવ સારે શકને હાટડી માંડી છે, એટલે પહેલી જ સાલમાં બખ્ખાં થઈ પડ્યાં. પણ હવે હાંઉ કર્ય, ને મેઘરાજાને છૂટો કર્ય. તારા સૂટકા-બૂટકા હંધા ય છોડી દે, ને ગામના ગરીબ માણસ ઉપર દિયા કર્ય.’
આકાશમાં અષાઢી બીજ ઊગી. એનાં દર્શન કરવા ગામ આખું પાદરમાં ઊમટ્યું. આંખે ઝામર–મોતિયાને લીધે ઓછું જોઈ શકનારાં ડોસાંડગરાં પણ જિજ્ઞાસાથી આ ‘બીજમાવડી’નાં દર્શન કરવા બહાર નીકળ્યાં. બીજના ચંદ્રનું ડાબું પાંખિયું ઊંચું છે કે જમણું પાંખિયું, એનું અવલોકન થયું. નક્ષત્રોની સ્થિતિ સાથે એનો મેળ