પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટીહા વાગડિયાની ખડકી
૪૫
 

પાસે કરાવવી છે.’ એવી ફરિયાદ અસ્પષ્ટ સ્વરે ગણગણતાં હરખે ડેલી ઉઘાડી.

આંગણામાં કોઈ મહેમાનને બદલે જીવાભાઈ ખવાસની મૂર્તિ જોઈને હરખ સ્તબ્ધ થઈ ગઈ ! તુરત એણે આ દરબારી માણસની અદબ જાળવવા હાથ એકનો ઘૂમટો તાણી લીધો.

ખુદ સંતુને પણ આશ્ચર્ય થયું. એણે તો ધાર્યું હતું કે શાદુળ પોતે જ હૉકીસ્ટીક લેવા આવશે, અથવા તો એના ખાટસવાદિયા માંડણિયાને મોકલશે. પણ જીવાભાઈ ખવાસ સુધી વાત પહોંચી જશે એવી તો એને કલ્પના પણ નહોતી.

‘હાય ! આ તો દરબારની ડેલીએથી વેઠને વારો આવ્યો !’ જીવાને જોઈને હેબતાઈ ગયેલી હરખે ઝટઝટ એને સંભળાવી દીધું ‘ઈ તો આજ શિરામણટાણાના વેકુર્ય ભરીને શાપર ગયા છે... વાળુટાણે આવશે—’

‘મારે ટીહાનું કામ નથી.’ જીવો બોલ્યો.

‘તંયે કોનું કામ છે ?’ હરખ વધારે ગભરાઈ ગઈ.

‘તમારી છોડી ક્યાં ગઈ ?’

‘કોણ ? સંતી ?’

‘હા, ઈ સંતડી—’

‘શું કામ છે ?’

‘ઈ તો ગગીને જ પૂછોની !’

‘હવે તો હરખ ખરેખર ગભરાઈ ગઈ. છોકરી કોઈ બહારના માણસ જોડે કારસ્તાન કરી આવી છે કે શું ?’

‘એલી સંતડી ! આ જીવોભાઈ શું કિયે છ ?’

‘મને શું ખબર્ય ?’

‘એલી છોકરી ! મોઢામાંથી ફાટ્યની ? આ દરબારી માણહ આપણી ડેલીએ કાંઈ અમથું આવ્યું હશે ?’

‘તી ઈને જ પૂછી જોની, શું કામે પધાર્યા છે?’