પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેડું વહાલું કે આબરૂ?
૬૫
 

 રાતના મોડે સુધી આ રકઝક ચાલી. ઘરમાં કોઈએ વાળુ કર્યાં નહિ.

આખરે હરખની ધીરજ ખૂટી. એણે ફરી પોતાના વજનદાર ને મોંઘાં રાચ સમા બેડાંની ફિકર કરી :

‘અરે ઈ લાકડી ગઈ ચૂલામાં. મારું ઘડાઉ તાંબાનું સોના જેવું બેડું લઈ આવ્ય પાછું, નીકર ઘરમાં નઈં ગરવા દઉં !’

નહિ નહિ તો ય વીસમી વાર ઉચ્ચારાયેલું માનું આ મહેણું સાંભળીને સંતુને એવી તો ઝાંઝ ચડી કે એ ઊભી થઈ ગઈ. શ્વાસભેર એ બોલી ગઈ :

‘મા ! તને ઈ તારું દસ શેર તાંબાનું બેડું વા’લું છે કે તારી દીકરીની લાખ રૂપિયાની આબરૂ વા’લી છે ? ’

'અટાણે તો બેડું જ.’ હરખને કોણ જાણે શી કમત સુઝી તે ખીજની મારી બોલી ગઈ.

‘બેડું વધારે વા’લું છે ને ?’ સંતુએ ડેલી તરફ જતાં, ધ્રુજતે અવાજે કહ્યું, ‘તો અબઘડીએ જ હાજર કરું છું.’

‘સંતુ, સતું !’ ટીહાએ બહાર જતી પુત્રીને રોકવા પ્રયત્ન કર્યો. ‘સાંભળ તો ખરી ? વાત કહું. અરે, જરાક ઊભી તો રે’ ?’

પણ સંતુ અત્યારે પિતાની વાત સાંભળવા રોકાઈ નહિ. એ તો ઝડપભેર ડેલી બહાર નીકળી ગઈ. જતાં જતાં સંભળાવતી ગઈ : ‘બેહો તમે હંધાય બાયલાંવ !’

છેલ્લો શબ્દ સાંભળીને ટીહો સમસમી રહ્યો. એને પુત્રીની વાત અને વલણ સાવ સાચાં લાગ્યાં. બાવરો બનીને એ ઊભો થયો, અને પુત્રીની પાછળ ગયો.

‘સંતુ, દીકરા સંતુ ! મારી વાત સાંભળતી જા ! સંતુ !—’

ટીહાના આ શબ્દો, આથી નીકળી ગયેલી સંતુએ તો ન સાંભળ્યા પણ હરખે એ સાંભળીને ટકોર કરી :