પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ છઠ્ઠું

ખોળો પાથર્યો


ફળિયામાં ઢાળેલા ખાટલા ઉપર હાદા પટેલ જાગતા પડ્યા હતા.

આમે ય વૃદ્ધાવસ્થાને કારણે એમની ઊંઘ તો ઓછી થઈ જ ગઈ હતી, પણ પરબતના મૃત્યુ પછી તો ઓછી ઊંઘ પણ લગભગ દુર્લભ થઈ પડી હતી, અને એક અનંત અજંપા જેવી સ્થિતિ તેઓ ભોગવી રહ્યા હતા. દિવસો જતાં પરબતનો વિયોગ તો ધીમે ધીમે વિસારે પડવા લાગેલો, પણ અત્યારે ઘરના આ મોભીને મૃત પુત્રને બદલે ગૃહત્યાગ કરી ગયેલા જ્યેષ્ઠ પુત્ર દેવશીની યાદ તાજી થઈ આવી હતી, તેથી અંતર વલોવાતું હતું.

એક દાયકાના વિયોગકાળ પછી પણ હાદા પટેલને દેવશીના વિયોગનો જખમ પૂરેપૂરો રુઝાયો નહોતો. સમયના વહેણ સાથે એ જખમ જરા વિસારે પડ્યો હતો ખરો, પણ અત્યારે અનાયાસે જ એ વ્રણ પર સ્મૃતિસ્પર્શ થઈ જતાં એ જ વેદના એટલી જ વસમી લાગતી હતી. આજે દેવશી હાજર હોત તો પરબતના મૃત્યુની ખોટ આટલી અસહ્ય ન લાગત. પણ છોકરાને કોણ જાણે શી કમત સૂઝી તે અતીત બાવાની મંડળી ભેગો હાલી નીકળ્યો. ભૂતેશ્વરના મહંતે જ કાચી બુદ્ધિવાળા દેવશીને ભોળવ્યો. અણસમજુ ઉંમરમાં જ છોકરાને ભગતાણું ભરાવી દીધું ને સંસારમાંથી એનું મન ખાટું કરી મૂક્યું. ને એવામાં અતીતની ભજનમંડળી, ભૂતેશ્વરની વાડીમાં ઊતરી. મંડળીના મુખીએ કોણ જાણે કેવું ય કામણ કર્યું કે ભોળિયો છોકરો ઘરે કાંઈ કીધાકારવ્યા વિના જ હાલી નીકળ્યો. એણે ઘરડા