ઘરે શોક હોય કે ગમે એમ હોય, આ કામમાં હવે ઢીલ કરવી પોસાય એમ નથી, હાદા પટેલે પડખું ફેરવતાં નિર્ણય કરી નાખ્યો. અલ્યા, પણ નાતીલા શું કહેશે ? ગામમાં શું વાત થશે ? લોકો કુથલી કરશે કે પરબત હાર્યે તો જીવતાં લોહીની જ સગાઈ હતી : હજી તો એની ચેહ ટાઢી નથી થઈ ત્યાં તો નાના દીકરાની વહુનું આણું કરી નાખ્યું ? સહુ સવારથનાં સગાં છે !
ભલે ગામમાં આવી વાત થાય. ગોળાને મોઢે ગરણું બંધાય, ગામને મોઢે નહિ. સંતુનું બેડું નંદવાણું એટલેથી જ ચેતી જવું સારું. આજે તો અટકચાળો થયો, કાલ સવારે ઊઠીને બીજું કાંઈ થાય...’
ઉછરંગભર્યે હૈયે સંતુ બેડું લઈને ઠુમરની ખડકી બહાર નીકળી અને પોતાના ઘરની શેરી તરફ જવા નાકું વળતી હતી ત્યાં જ સામેથી લોખંડી નાળ જડેલાં વજનદાર પગરખાં ખડિંગ ખડિંગ ખખડાવતા આવતા એક જવાનનો ખોંખારો સંભળાયો. એ હતો ગિધા લુહાણાની હાટેથી આવતી કાલ માટેનાં બીડીબાકહ લઈને આવતો ગોબર.
વદ આઠમના આછેરા અંધારામાં સંતુ એને ઓળખી શકી ન હોત; પણ ખોંખારાના અવાજ પરથી એ ખડતલ ખુંખારનારને પારખી ગઈ, અને ખોડંગાઈને ઊભી રહી ગઈ.
સંતુને ખાલી બેડે ઊભેલી ઓળખી જતાં ગોબરને નવાઈ લાગી. એને પૃચ્છા કરવા માટે એ આખું વાક્ય પણ ઉચ્ચારી ન શક્યો. બોલ્યો :
‘અટાણે...?...આણી કોર્ય ?’
‘તારે ઘેર ગઈ’તી.’ સંતુએ કહ્યું. અને તુરત એ ઉક્તિમાં થઈ ગયેલી એક ભૂલ સુધારી નાખી : ‘આપણે ઘેર ગઈ’તી.’