લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતીમાતાની સાખે
૮૫
 


ફોનોગ્રાફના શબ્દો પડ્યા :

‘મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી...!’

સાંભળીને હાદા પટેલના કાન ચમક્યા. રઘા મહારાજની આ હૉટેલ, થાળીવાજાનું આ ગીત, શાદૂળિયાનું ટીખળ વગેરે વાતો કાલે રાતે જ ગોબરને મોઢેથી સાંભળેલી એ અત્યારે તાજી થઈ. ગામ વચ્ચે પથારો નાખીને પડેલો આ રઘલો જ બધાં પાપનું મૂળ છે એ સમજાતાં હાદા પટેલે હોટેલના બારણા તરફ ત્રાંસી નજરે જોયું તો થડા ઉપર રઘાને બદલે હૉટેલનાં પ્યાલા–રકાબી વીંછળનારો નોકર છનિયો બેઠો હતો, અને એ સારું જ થયું. રઘો હાજર હોત તો પટેલને એને સંભળાવવાનું મન થઈ આવ્યું હોત : ‘એલા રઘલા ! ભામણનો દીકરો ઊઠીને, ને માથે રહીને ગામની બેન દીકરિયુંની છેડતી કરાવતાં શરમાતો નથી ?’

‘દાવ આવ્યે સોગઠી મરાય,’ એમ મન−શું ગાંઠ વાળીને હાદા પટેલ કણબીપાના નાકામાં વળ્યા, ત્યારે ‘અંબા ભવાની’ના મેડા ઉપર રઘાને મોઢેથી પણ એ જ વાક્ય ઉચ્ચારાઈ રહ્યું હતું : ‘દાવ આવ્યે સોગઠી મરાય, સમજ્યાને દરબાર !’

મેડામાં, ચહાનાં ખાલી ખોખાં ઉપર ગુંદાસરના ‘ચાર વડાઓ’ની ગોળમેજી પરિષદ જામી હતી : , શાદૂળભા, જીવો ખવાસ ને માંડણિયો એ ચારેયમાં રઘો જાણે કે આ પરિષદનો આહ્‌વાહક હોય એવા તોરથી સહુને વારાફરતી સૂચનાઓ આપતો જતો હતો.

‘જીવાભાઈ ! તમે તો સમજુ માણસ છો. અટાણે આપણો હાથ દબાણો છે. કચડાઈ−કપાઈ જાય ઈ પે’લાં હળવેકથી સેરવી લેવામાં માલ છે.’

‘ગોરબાપાની વાત સોળ વાલ ને માથે રતિ છે.’

‘તો ઠીક. મારું એકે ય વેણ ખોટું હોય તો પાછું આપજો.', કહીને રઘાએ હવે માંડણિયાને સૂચના આપી :

‘એલા, ઠુમરને ઘેરે જઈને બેડું પોંચતું કરી દે છાનોમાનો–’