પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
લીલુડી ધરતી–ર
 

 જેવી’ સંતુના હોઠ આજે સિવાઈ કેમ ગયા છે?

‘એકલા સોરવતું ન હોય તો હજી ય હાલી જાની શાદૂળભાનો સથવારો કરવા ?’ સંતુનું મૌન તોડવા માટે જ ઊજમે ફરી વાર ઘા મારી જોયો. ‘ઈય બિચારો સુખી થાશે ને તું ય સુખી થઈશ—’

‘હાલી જાઈશ.’ સંતુએ દ્વિઅર્થી ઉત્તર આપ્યો.

ઊજમ આ ઉત્તરનો વાચ્યાર્થ સમજી પણ એનો સંકેતાર્થ સમજવા જેટલી એનામાં ત્રેવડ નહોતી તેથી એ વધારે ઉશ્કેરાટ અનુભવી રહી. પણ એની કમનસીબી તો એ હતી કે હવે સંતુને વધારે ઉગ્ર મહેણાટોણાં મારવા માટે એની પાસે કશા વધારે મુદ્દાઓ નહોતા રહ્યા. ગોબરની હત્યા પછી આજ સુધીમાં એ નિઘૃણમાં નિઘૃણ આક્ષેપ કરી ચૂકી હતી, નિંદ્યમાં નિંદ્ય આળ ચડાવી ચૂકી હતી અને સંતુનો તેજોવધ કરવા માટે તીખી તમતમતી વ્યંગ વાણી ઉચ્ચારવામાં ભાષાની નિઃશેષ વ્યંજના પણ વાપરી છૂટી હતી. હવે એ જે કોઈ વાગ્બાણ ફેંકે કે મહેણુંટોણું ઉચ્ચારે કે વ્યંગવાણીમાં ટાઢા ચાંપે એ સધળું એનાં આગલાં ઉચ્ચારણ કરતાં ઊણું પડે એમ હતું.

તેથી જ તો, સજાયાની ધાર જેવી ઊજમની જીભ આજે પહેલી જ વાર સંતુની મૌનવાણી સમક્ષ મહાત થઈ ગઈ. આડે લાકડે આડે વહેર મૂકવામાં પાવરધી એવી સ્ત્રીને આજે પહેલી જ વાર નાસીપાસ થવાનો પ્રસંગ આવ્યો. ધવાયેલી વીંછણ પોતાને જ ડંખ મારે એમ આ હતપ્રભ સ્ત્રી પણ હવે સંતુને બદલે પોતાને જ સંભળાવવા લાગી.

'કિયા ભાવનાં પાપ ભોગવવાં રૈ ગ્યાં હશે તો આવા માણહ હાર્યે પનારાં પડ્યાં છે... હવે તો ભગવાન મોત મોકલે તો છૂટિયે? પણ માગ્યાં મોત થોડાં જડે ?... રોજના લોઈઉકાળા રિયા... જીવતાં રેવા જેવાંને ભગવાને વે’લાં બરકી લીધાં... ને આવાં દાધારંગાં જીવતાં રિયાં...’