પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
લીલુડી ધરતી–ર
 

 આ બધી આપત્તિઓના મૂળમાં સંતુ−શાદૂળનો દુરાચાર જ જવાબદાર છે. સંતુ પોતે ભલે ને આ આરોપનો ઈનકાર કર્યા કરે, અને પોતે મોટી સતી સાવિત્રી હોવાનો દાવો કર્યા કરે, પણ એના સતીત્વની સાબિતી શી ? એની સાખ તો એકમાત્ર એનો પતિ જ પૂરી શકે; પણ ગોબર તો ગારદ થઈ ગયો. ને શાદૂળ જનટીપમાં જઈ બેઠો. હવે તો એનું પારખું કરવાનો એક જ રસ્તો રહ્યો છે : ધગધગતા તેલના તાવડામાં હાથ બોળી જુવે; જો એના પેટમાં કાંઈ પાપ નહિ હોય તો ફડફડતા તેલમાં ય એના હાથને ઊની આંચ નહિ આવે; ધગધગતું તેલ એના આંગળાંને અડશે ય નહિ, ને જે કાંઈ પાપ કર્યું હશે તો હાથ સડસડી જશે ને ધડ કરતુંકને બધું છતું થઈ જાશે.

૨ઘાએ કહ્યું :

‘આવાં સતનાં પારખાં તો સતજગમાં સાચાં પડતાં હશે; આ હળાહળ કળજગમાં તો કડકડતી તલની કડામાં બિચારી છોકરીના હાથ ફડફોલી ઊઠશે.’

સામેથી જવાબ મળ્યો :

‘તું શું કામે ઠાલો પારકી ચંત્યા કરીને દૂબળો પડશ ?’

રઘાનો વળતો જવાબ હતો :

‘ગામની વહુદીકરી ઉપર આવાં વીતક વિતાડવાની મુખત્યારી તમને કોણે લખી દીધી છે ? કોરટ દરબારનાં કામ તમે માથે લઈ લેનારાં છો કોણ ?’

પણ પરિસ્થિતિ એક તરફ રામ ને બીજી બાજુ ગામ જેવી હતી. એમાં રઘાની વાત કોણ સાંભળે ?

‘ગામ આખા ઉપર કોપ ઊતર્યો છે તંયે મેલડીને રીઝવવાના ધરમના કામમાં આડી જીભ વાળનારો તું કોણ ?’

ચારે બાજુથી રઘા સામે પડકાર ઊઠ્યો. એના ઉપર હેત્વારોપણો પણ થવા લાગ્યાં :