પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
લીલુડી ધરતી–ર
 

 ‘ઈ તો હું ય કહી કહીને થાક્યો કે સતનાં પારખાં આવી રીતે ન થાય. પણ સંતુ કેમે ય કરી સમજતી જ નથી. કિયે છ કે મારા કારણે આખા ઘર ઉપર કાળું કલંક આવે, એના કરતાં મારું પારખું કરી લેવા દિયો—’

સાંભળીને રઘો નિરાશ થયો. તરણોપાય તરીકે એણે કમાડની આડશે ઊભીને ખુદ સંતુને જ સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. રડમસ અવાજે એણે આજીજી, વિનંતી, કાકલૂદી સુદ્ધાં કરી જોઈ.

‘દીકરી ! આ ભામણ ડોસાનું કહેવું માની જા; આવી દાધારંગી થા મા... ગામના માણસનું બોલવું ગણકારાય નહિ... ઈ તો બે ગાઉ આઘાં હાલે ને બે ગાઉ પાછાં ય હાલે... આવી આકરી અગનપરીક્ષા રે’વા દે—’

પણ સંતુ પાસે તો એક જ ઉત્તર હતો :

‘ઓઘડભાભે ડાકલાં વગાડીને કીધું છે કે કડામાં હાથ બોળનારીએ કાંઈ પાપ નહિ કર્યું હોય તો ધગધગતું તેલ એનાં આંગળાંને અડશે ય નહિ... સાચને આંચ ન હોય... હાથ બોળનારીનાં સત્‌ સાચાં હશે તો મેલડીમા એની રખ્યા કરશે—’

‘બાપુ ! આ કળજગમાં કોઈ જ મેલડી આડા હાથ દેવા નવરી નથી બેઠી. ફણફણતા તેલમાં હાથ બળીને ભડથું થઈ જાશે—’

‘નહિ થાય, નહિ થાય !’ સંતુ હિંમતભેર કહેતી હતી, ‘મેં સામે હાલીને હાથ બોળવાની હા કહેવરાવી છે. હવે પારોઠનાં પગલાં ભરું તો મારા દશ્મન રાજી થાય, ને ઓલ્યું કાળું કલંક કાયમનું થઈ જાય. ના ના, હવે તો ભગવાનને ભરોહે મેલડીનો કોપ ઊતારવો જ દિયો—’

સંતુનું જિદ્દી વલણ જોઈને રઘો વધારે બેચેન બન્યો. જીવા ખવાસે જુક્તિપૂર્વક ઓઘડભાભાને ધુણાવીને આ પારખા માટે મંગળવારનું ‘મૂરત’ કઢાવ્યું હતું. એ મંગળવારની આગલી રાતે રઘાને ઊંઘ ન આવી. એને થયું કે બે-ચાર માથાભારે માણસોને