પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
લીલુડી ધરતી–ર
 

 નથી પૂછી.’ રઘાએ કહ્યું. ‘જા, ફરી દાણ બાને કે’ કે રઘામા’રાજ ઉંબરે ઊભા છે—’

પુનશી ફરી બબડાટ કરતો કરતો ઓરડે ગયો.

રઘો ઉત્સુક બનીને સમજુબાના ઈજનની રાહ જોઈ રહ્યો.

પુનશી પાછો આવ્યો ત્યારે એના મોઢા ઉપર વધારે કરડાકી દેખાતી હતી. બોલ્યો :

‘ઘરમાં મંદવાડ ઘેરાણો હોય તંયે કચકચ કરવા શું કામ આવ્યો છ. એમ બા કિયે છ.’

‘કચકચ કરવા નથી આવ્યો, બા !’ હવે રઘાએ ઠકરાણાં છેક અંદરને ઓરડે સાંભળે એવા મોટા અવાજે બોલવા માંડ્યું,‘હું તો અટાણે નિયા માગવા આવ્યો છું—’

ઓરડાના પેટાળમાંથી જ અવાજ આવ્યો :

‘નિયાના સગલા ! માથે ઊભો રહીને માથાં વઢાવનારા માંયલો તું શું મોઢે નિયા માગવા આવ્યો છો ?’

‘બા ! હુ મારે કામે નથી આવ્યો; ગામની એક નોધારી નિયાણીનો નિયા કરાવવા આવ્યો છું—’

‘જા રે જા, નિયાણીનો મોટો વાલેશરી ન જોયો હોય તો !’ ઓરડેથી અવાજ આવ્યો, ‘આંઈ કોને ઊઠાં ભણાવવા આવ્યો છો ?’

આવા ઉપરાઉપરી જાકારા મળવા છતાં યે રઘો નિરાશ ન થયો. એણે વધારે આર્જવભરી વાણી ઉચ્ચારી :

‘બા ! તમારી રાંકડી રૈયત વતી વાત કરવા આવ્યો છું, ગામનું જ એક કળોયું બચારું કકળી રિયું છે. એના ઉપર અટાણે વેળ પડી છે. તમે તો રૈયતનાં માવતર. તમારી દીકરી ઉપર દિયા નહિ કરો તો ઈ ગભૂડીની હત્યાનું પાપ ગામ આખા ઉપર ચડશે—’

‘ઈ ગભુડી તો ઓલી સગા ધણીને ગૂડી નાખનારી જ કે બીજી કોઈ ?’ ઓરડેથી પડકાર થયો, ‘એના પાપે તો ગામ ઉપર મેલડી કોપી છે ને મે’ બંધાણો છે—’