પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રકરણ પંદરમું

દલ્લી દેખો, બમ્બઈ દેખો !


રોટલાટાણું થયું પણ રઘો પોતાના આસન ઉપરથી ઊઠ્યો નહિ.

‘રઘાને રોટલા વિના હાલે પણ તેજ–તમાકુ પાન ખાધા વિના ન હાલે.’ લોકોએ આગાહી કરી. ‘પાનની તલપ લાગશે એટલે આફુડો ઊઠશે.’

રોંઢા મળ્યા, પણ રઘાને રોટલાની કે પાનની કશી તલપ ન લાગી.

દરમિયાન ઓઘડભાભાએ સૂચવેલું ‘મને અભડાવનારીને આઠ ગાઉ આઘી કાઢો’નું આંદોલન જોર પકડતું રહ્યું. અગ્નિપરીક્ષાનું પરિણામ જાણ્યા પછી હાદા પટેલને એવો તો તીવ્ર આઘાત લાગેલો કે એ સાવ શૂન્યમનસ્ક થઈ ગયેલા. ખુદ સંતુ પણ આ અણધાર્યા પરિણામથી ડઘાઈ જઈને મુંગી મૂંગી મનમાં ને મનમાં સમસમી રહી હતી.

સંતુના આ મૌનનો સારો ગેરલાભ લેવાયો.

‘હવે શું મોઢે હોઠ ઉઘાડે ? બોલવા જેવું આમાં રિયું છે જ શું ? બોલવા જેવું હતું ઈ તો હંધુ ય તેલનો તાવડો બોલી ગ્યો છે, બે ને બે ચાર જેવી ચોખ્ખીફૂલ વાત !’

‘આ હાથે કરીને હાથ બાળી બેઠી; એના કરતાં પહેલાં પરથમ જ પેટછુલી વાત કબૂલી દીધી હોત તો ? આટલો ગામગોકીરો તો ન થાત !’