પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકરણ સોળમું
તાતી તેગ

‘ઓઘડભાભા ! અટાણના પોરમાં ભાંગબાંગ તો નથી પીધી ને ? આ કાબુલીવાળાને ભાળીને અમથી સુતારણ્ય સાંભળી આવી તમને તો !’ જુવાનિયાઓ ડોસાની મજાક કરી રહ્યા.

‘માણહની સાઠે બુદ્ધિ નાઠે ને ઓઘડભાભાને તો સાઠ ઉપર એક વીહું વરહ વીતી ગયાં, એટલે તો આવાં ગાંડાંઘેલાં જ કાઢે ને !’

‘ભૂવાએ પણ ભારે કરીને ! સંભારી સંભારીને બીજા કોઈને નહિ, ને અમથી સુતારણ્યને જ સંભારી !’

પોતે કરેલા નિરીક્ષણ વિષે આવાં ટોળટીખળ થવા લાગ્યાં તેથી ઓઘડ જરા ઓઝપાઈ ગયો. આંખે બાઝેલાં પરવાળાનાં પાણી લૂછીને નજર વધારે સતેજ બનાવી અને કપાળ પર ફરી વાર હથેળીનું છાજવું ગોઠવીને એણે વળી ગામના આ નવતર આગંતુકનું નિરીક્ષણ કરવા માંડ્યું.

‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’
‘આગરે કા તાજ દેખો !’

એકેકથી ચડિયાતાં આકર્ષણોના પ્રલોભનથી ટાબરિયાંઓની સારી એવી ઠઠ જામી ગઈ. મોટેરાંઓને પણ આ નવતર આગંતુક અને એની જોડેનો એટલો જ નવતર ‘પટારો’ જોઈને એનું નિરીક્ષણ કરવાનો રસ લાગ્યો.

‘આ પટારાની માલીપા સિનેમા થાય છે.’

‘આને સિનેમા નહિ, બાઇસ્કોપ કે’વાય.’ બીજાએ ભૂલ સુધારી.