જ મરક મરક મલકી ઊઠ્યાં. એક માત્ર ઓઘડ અત્યારે આ આગંતુકના વધારે ઝીણવટભર્યા અવલોકનમાં રોકાયો હોવાથી એને હસવાની નવરાશ નહોતી.
‘માનો ન માનો; પણ અણહાર તો અમથીનો જ—’ ડોસાએ ફરી વાર પોતાનું નિરીક્ષણ કહી સંભળાવ્યું. ‘તમે સહુ મર મને આંધળો કીધા કરો, પણ મારી વાત ખોટી પડે તો તમારું ખાહડું ને આ ઓઘડનું માથું—’
‘એલા ડોહા ! ડાગળી ચસકી કે શું ? અમથીને મરી પરવાર્યાને તો જનમારો થઈ ગ્યો, ને એનો ધણી વેલજી ડોહોય વાંહે વલોપાત કરી કરીને મરી ગ્યો—’
‘તો પછી અમથીનું ભૂત હશે !’ ઓઘડભાભાએ દલીલ કરી.
‘ભૂત ? તું પંડ્યે જ મેલડીનો ભૂવો છો, તી ડાકલું વગાડી ધુણાવી જો, તો હમણાં ખબર્ય !’
બજારમાં ચોકમાં આવાં નાટક-ચેટક ચાલી રહ્યાં હતાં ત્યારે ગામને ઝાંપે એક દરબારી મોટરગાડી આવીને ઊભી હતી. ગાડીની આગલી બેઠકમાં શંકરભાઈ ફોજદાર કરડાકીભરી સિકલ સાથે બેઠા હતા અને ગાડી બહાર કાસમ પસાયતો અદબભેર ઊભો ઊભો જવાબ આપતો હતો.
‘ના સા’બ ! કોઈ કરતાં કોઈને નથી ભાળી, મોંસૂઝણા ટાણે છેલ્લી રોન મારી આવ્યા કેડ્યે હું આ ખાટલેથી આઘો ખસ્યો જ નથી ને !... ના સા’બ ! ના. એમ અજાણ્યું માણહ ગામમાં શેનું ગરી જાય ?... તો તો આટલાં વરહ પહાયતું કર્યું ઈ પાણીમાં જ ગ્યું ગણાય ને !...... હા, સા’બ ! પરગામથી આવનારને એકોએકને નામઠામ પૂછ્યા વન્યા પાદરમાં પગ મેલવા નથી દેતો... થોડાક દિ’ મોર્ય કાળકાની ટૂંકેથી ઓલ્યો ઘૂઘરિયાળો એનો લાગો ઊઘરાવવા આવ્યો તંયે એને ય પડકારી જોયો’તો... એમ વે’મ નો રાખું તો તો સહુ પોલું ભાળી જાય ને સાંજ મોર્ય ગામ લૂંટાઈ