પાદરમાં ‘મોટરગાડી’માં બેઠેલા શંકરભાઈ કાસમ ઉપર રાતાપીળા થઈ રહ્યા હતા :
‘પાતાળ ખોદીને ય પગેરું કાઢો. છ છોકરાંને પકડી ગઈ છે ને ઘણાંયની ડોકમાંથી ઓમ્કાર કાપતી આવી છે.’
કાસમ ગેંગેં ફેંફેં કરતો હતો : ‘પણ સા’બ ! આણી કોર્ય આવવાને સાટે રાણપરની સીમ ઢાળી નીકળી ગઈ હશે. નીકર કાંઈ સંજવારીમાં સાંબેલું સંચોડું હાલ્યું જાય ?’
આ વાતચીત ચાલતી હતી ત્યાં જ બે પાણિયારીઓ ખાલી બેડે ઓઝત તરફ જવા નીકળી, એ વાતો કરતી હતી :
‘ડોસીએ કાંઈ કરામત કરી છે કાંઈ કરામત ! કાચના ડબલામાં જુવો તો દલ્લીનો દરબાર દેખાય !’
‘બચાડી સૂકા રોટલાનાં બટકાં ઊઘરાવીને પેટ ભરતી લાગે છે.’
‘કોક અજાણ્યા મલકમાંથી આવી હશે, ભાત્યભાત્યની બોલી બોલે છે—’
શંકરભાઈ નિરાશ થઈને રાણપરની સીમમાં સગડ કાઢવા જતા હતા ત્યાં જ પસાર થતી આ પાણિયારીઓની વાતચીતે એમને વહેમમાં નાખી દીધા. કાસમને વીજળીના ઝબકારા જેવો અણસાર મળી રહ્યો.
ચોકમાં હવે ઓઘડભાભાએ પોતાના નિરીક્ષણના સમર્થન માટે