પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝમકુનો કોયડો
૧૬૯
 


એક બાજુ ઊજમ આ ઉદ્વેગ અનુભવી રહી હતી ત્યારે સંતુના ચિત્તમાં અગ્નિદિવ્યના પ્રયોગ પછી એક નવી વ્યથા જન્મી હતી. અગ્નિદિવ્યની કસોટીમાં પોતાના હાથ સાચે જ સળગી ગયા તેથી આજ સુધીની સઘળી ખુમારી એ ખોઈ બેઠી. આટલા દિવસ, પોતે તદ્દન નિષ્કલંક છે એમ બેધડક કહી શકતી હતી, એ મનોદશા, એ મિજાજ અને વિશેષ તો એ અંગેની એની આત્મશ્રદ્ધા આ અગ્નિપ્રયોગમાં ઓગળી ગયાં.

શંકાશીલ ગામલોકોએ સંતુનાં સતનો દર્શનીય પુરાવો માગ્યો, ભોળુડી સંતુએ પોતાની સચ્ચાઈ પર મુસ્તાક રહીને એ મહાભયંકર પરીક્ષામાંથી પસાર થવાની તૈયારી બતાવી. અગ્નિ પોતાના ગુણધર્મને વળગી રહ્યો અને સંતુ એ પરીક્ષામાં નિષ્ફળ પુરવાર થઈ. તુરત એની શારીરિક વ્યથા સાથે, એથી ય અદકી મનોવ્યથા શરૂ થઈ : હું સાચે જ અપરાધી હોઈશ ? મેં સાચે જ પાપ કર્યું હશે ? મને તો કાંઈ કરતાં કાંઈ એવું સાંભરતું નથી, કે જેનો મારે ભગવાનને ઘેર ગ્યા પછી જબાપ આપવો પડે. મારું મન તો અરીસા જેવું ચોખુંફૂલ હતું, એટલે તો મેં સસરા જેવા સસરાની આજ્ઞા ઉથાપીને ય તેલની કડામાં હાથ બોળ્યા. મને તો પાકી ખાતરી હતી કે મારાં બે ય કાંડાં હળવાફૂલ રહેશે ને એને કાંઈ નહિ થાય. પણ આ તો દસે ય આંગળાં ભડથું શેકાય એમ શેકાઈ ગ્યાં. હાય રે ! આ તો હું હાથે કરીને માથા ઉપર આળ વહોરી આવી. હવે હું ગામમાં શું મોઢે કહી શકીશ કે ગોબરને, મેં નથી માર્યો, મારાં ઓધાન મારા ધણીનાં જ છે, શાદૂળનો મેં ઓછાયો ય નથી લીધો !....

એક અણઆચર્યા અપરાધનો ડંખ સંતુના અંતરને કરકોલી ૨હ્યો. સદા ય પ્રફુલ્લ અને પ્રસન્ન રહેતી આંખમાં ભાવિનો કોઈક પ્રચ્છન્ન ભય આવી ભરાયો. નીતર્યા પાણી જેવું નિર્મળ હાસ્ય જાણે કે સદાયને માટે વિલુપ્ત થઈ ગયું. એની જગ્યાએ એક ઘેરો વિષાદ