પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
લીલુડી ધરતી-૨
 


ગામમાં ઘેરઘેર ફરીને એ જે વગોવણી કરી હતી એ સાંભળ્યા પછી ઊજમ તો એ પડોશણની રાહ જોઈને જ બેઠી હતી. ક્યારે ઝમકુ છાશનો કળશો ભરવા આવે અને ક્યારે એને ઘઘલાવી કાઢું ! પણ ઝમકુ તે દિવસે છેલ્લી છાશ ભરી ગઈ એ ભરી ગઈ ! ફરી વાર આ ડેલીએ ડોકાવાની એની હામ નહોતી.

દરમિયાન, ઝમકુના રાંધણિયામાં શેકાતાં વિવિધ પકવાનો અને મિષ્ટાન્નની સોડમ નવેળામાં થઈને ઠુમરની ખડકીમાં આવતી રહી. આજે શીરો તો કાલે સેવ; ત્રીજે દહાડે તરધારી તો ચોથે દિવસે ચૂરમું. ઝમકુને ઘેર મહેમાનોનો તો રોગો રાફડો જ ફાટ્યો છે. રોજ રોટલાટાણું થાય છે ને નવેળામાંથી દાઝતા ઘીની સુગંધ ફોરે છે : અને ઊજમ–સંતુ કૌતુકપૂર્વક બબ્બે પછીતોની પેલી પારની જીવનલીલા વિશે કલ્પનાઓ કરી રહે છે.

એવામાં એક વહેલી પરોઢે આવી કલ્પનાઓનો કાયમને માટે અંત આવી ગયો. ઊજમ પરેવાશમાં દળણું દળવા ઊઠી ત્યાં જ ડેલીની સાંકળ ખખડી. ગભરાતાં ગભરાતાં એણે ડેલીનું બારણું અરધુંક ઉઘાડ્યું તો સામે દયામણે ચહેરે ઊભેલો દામજી પૂછતો હતો :

‘આંયાંકણે ઝમકુ આવી છે ?’

‘’ના, ભૈ ! અટાણના પો’રમાં—’

પણ ઊજમ વાક્ય પૂરું કરે એ પહેલાં તો દામજી બીજી ડેલીએ સાંકળ ખખડાવવા પહોંચી ગયો હતો.

બહાવરા બનેલા દામજીએ ગામને ઘેરઘેર સાંકળ ખખડાવીને ઝમકુની તલાશ કરી જોઈ. અને આખરે સવાર પડતાં એણે જાહેર કર્યું :

‘ઝમકુ ભાગી ગઈ છે—’

વાયુવેગે વાત ફેલાઈ ગઈ.

‘ઝમકુડી કાંઈ જોરુકી, કાંઈ જોરુકી ! માથે રાત્ય લીધી !’