પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
લીલુડી ધરતી-૨
 


ફળિયામાં ક્યારનાયે સમાચાર જાણવાને ઉત્કંઠ બની રહેલા હાદા પટેલે આ બન્ને તીણી વેદનાચીસો સાંભળી અને એમનો જીવ તાળવે ચોંટ્યો.

થોડી વારે વખતીનો અવાજ સંભળાયો : ‘આ તો સાચે જ સંતુએ કાબરી હાર્યે સહીપણાં કર્યાં. બેયને સારીપટ કહટાવું પડશે—’

ઊજમે સચિંત અવાજે પૂછ્યું : ‘ડોળા તારવી ગઈ છે તી વાંધો તો નહિ આવે ને ?’

હરખે પણ ગભરાઈને એવી જ પૃચ્છા કરી : ‘સંતુને સુવાણ્ય તો થઈ જાહે ને ?’

વગર પૂછ્યેગાછ્યે પણ બોલબોલ કરનારી વખતી અત્યારે ભેદી મૌન સેવી રહી તેથી ઊજમને કશોક વહેમ ગયો. એણે પૂછ્યું :

‘છોકરું તો સાજું નરવું જલમશે ?’

‘અટાણથી કેમ કે’વાય ? આભના ને ગાભના કાંઈ ભરુહા નહિ.’ કહીને વખતીએ હૈયાધારણ આપી : ‘મારો વાલોજી લાજ રાખશે—’

પણ વખતીનાં આવા ‘વાલાજી’ના નામના સધિયારાથી કોઈને હૈયાધારણ મળી શકે એમ નહોતી, કેમકે સંતુની વેદનાચીસો વધતી જતી હતી.

આ વાતચીતના તૂટક તૂટક શબ્દો બહાર ફળિયામાં હાદા પટેલને કાને પડતાં તેઓ વિશેષ ચિંતાતુર બન્યા. એમણે ઓસરીમાં જઈને ઘીનો દીવો પેટાવ્યો અને એકચિત્ત થઈને સતીમાતાનું સ્તોત્ર ભણવા માંડ્યું.

ખડકી બહાર વળી પાછો ડાઘિયો ભસવા માંડ્યો તેથી ઊજમ અકળાઈ ઊઠી.

‘મૂવાને સારીપટ રોટલો નીર્યો તો ય મૂંગો નથી રે’તો—’

‘ઈ તો બવ ગંધીલો છે. માડી !’ વખતી બોલી, ડાઘિયાને હું જાણું ને ! ગામને ખૂણેખાંચરે ય ક્યાંય આવું ટાણું હોય તંયે ઈ ન હોય ત્યાંથી આવીને ઊભો જ હોય !’